અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ સીએમ વિજય રૂપાણીનું નિધન થયું છે. DNA પરીક્ષણ બાદ આજે રાજકીય સન્માન સાથે તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. આજે તેમના અંતિમ સંસ્કાર સમયે પુજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે લોકો એકત્રિત થયાં છે. વિજય રૂપાણીના નિધનથી ટ્રસ્ટના લાભાર્થીઓ ગમગીન બન્યાં છે. અનેક લાભાર્થીઓન અશ્રુભીની આંખે આજે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપશે.
તેમની ખોટ અમને કાયમ રહેશે
રાજકોટમા પુજિત રૂપાણી ટ્રસ્ટ ખાતે એક લાભાર્થી યુવતીએ કહ્યું હતું કે, હું સાતમા ધોરણમાં હતી ત્યારે અમારી આર્થિક સારી નહોતી ત્યારથી અમારો અભ્યાસનો ખર્ચ આ ટ્રસ્ટ જ ઉપાડે છે. રૂપાણી સાહેબ ના હોત તો કદાચ હું ડોકટર ના બની શકી હોત. તેમની ખોટ અમને કાયમ રહેશે. અન્ય એક યુવકે કહ્યું હતું કે, આ ટ્રસ્ટને કારણે આજે હું એન્જિનિયર બની શક્યો છું. રૂપાણી સાહેબના જવાનું દુઃખ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.
વિજય ભાઈ ગરીબ બાળકો માટે પ્રયત્નશીલ રહ્યાં છે
પૂજિત ટ્રસ્ટ પાસે એકઠા થયેલા લોકોએ કહ્યું હતું કે, વિજયભાઈ સૌરાષ્ટ્રમાં આર્થિક રીતે પછાત બાળકોને શિક્ષણ મળે તે માટે હંમેશા પ્રયત્નશીલ રહ્યાં છે. આ ઉપરાંત ગરીબોના બાળકોને પણ આરોગ્ય અને શિક્ષણનો હક મળે તે માટે પણ તેમણે અનેક પ્રયત્નો કર્યા હતાં. વિજયભાઈ દરેક પ્રસંગ ટ્રસ્ટના બાળકો અને પરિવાર સાથે ઉજવતા હતાં. આજે આ ટ્રસ્ટમાંથી ગરીબ વર્ગના એક હજારથી વધુ બાળકો ડોક્ટર અને એન્જિનિયર બન્યાં છે. વિજયભાઈનો સમાજ પ્રત્યેનો પ્રેમ અને પ્રતિબદ્ધતાની આ નિશાની છે.