આજે પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જિલ્લાના સિદ્ધપુરમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં ઋષિ તળાવમાં પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આશ્રિતો માટે રહેવા અને જમવા સહિત મિનરલ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.


પાણી ભરાતા લોકોને સેલ્ટર હોમમાં શિફ્ટ કરાયા

સિદ્ધપુર નગરપાલિકા વિસ્તારના ઋષિ તળાવ અને પેપલ્લા તળાવમા પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. અહીંથી 25 જેટલા લોકોને શેલ્ટર રૂમ ખાતે શિફ્ટ કરાયા હતાં. કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત અને નગરપાલિકા પ્રમુખ તેમજ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ અને આગેવાનોએ શેલ્ટર રૂમ ખાતે જઈને આશ્રિતોની મુલાકાત લીધી હતી. આશ્રિતો માટે રહેવા અને જમવા સહિત મિનરલ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. સિદ્ધપુરમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે કૂલ 75 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા

પાટણ જિલ્લામાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સર્જાયા હતાં. ભારે વરસાદથી સિદ્ધપુર અને સરસ્વતી તાલુકામાં વરસાદી તારાજી જોવા મળી હતી. રોડ અને રસ્તાઓ બંધ થયા હતાં. વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. મકાનો અને દુકાનોમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં પણ જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિનું સર્જન થયું હતું.


  • Follow us on: