ગુજરાતમાં આજે વરસાદે દક્ષિણ ઝોનમાં બેટિંગ શરૂ કરી દીધી છે. સુરતના બારડોલીમાં આજે સવારે બે કલાકમાં જ ચાર ઈંચ વરસાદ ખાબકતાં મુશ્કેલી સર્જાઈ છે. ભારે વરસાદને કારણે બારડોલીમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં છે. વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદને કારણે બારડોલી શહેરના વોર્ડ નંબર ચારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આશાપુરા મંદિર નજીક પાણી ભરાઈ ગયા છે. શાસ્ત્રી રોડથી આશાપુરા મંદિર તરફ જતો માર્ગ બંધ કરાયો છે. ચોમસાની શરૂઆતમાં જ પાલિકાના પ્રિ મોન્સૂન પ્લાનની વરસાદે પોલ ખોલી નાખી છે.
બારડોલીમાં જળબંબાકાર જેવી સ્થિતિ
બારડોલીમાં વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદને કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં સુરગ નજીકનું ગરનાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. જેના કારણે વાહન વ્યવહારને પણ અસર પહોંચી છે. અવરદજવર માટે રેલવે ફાટક થઈને વાહનો પસાર કરવાની નોબત આવી છે. બીજી તરફ સુરતમાં પણ 24 કલાક બાદ હજી પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે. શહેરમાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ પણ સામે આવી રહી છે. સુરત શહેરના મ્યુનિસિપલ કમિશનર કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતાં. તેમણે શહેરમાં વરસાદની સ્થિતિનું મોનિટરિંગ કર્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને જરૂર પગલાં લેવા માટે સૂચના આપી હતી.
સતત વરસાદથી ખાડી બે કાંઠે વહેતી થઈ હતી
સુરત શહેરમાં બીજા દિવસે પણ વરસાદ ખાબક્યો હતો. સતત વરસાદથી ખાડી બે કાંઠે વહેતી થઈ હતી. ખાડીનું પાણી રોડ પર ફરી વળ્યું હતું. શહેરમાં હજુ પણ અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં છે. પુણાગામ પર્વત ગામમાં પણ પાણી ભરાઈ ગયાં છે. સવારે બે કલાકમાં બારડોલીમાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. મહુવામાં 2.52, વ્યારામાં 2.48,સોનગઢમાં 2.17, માંડવીમાં 1.5, ઉમરપાડામાં 1.26, વાલોદમાં 1.22, પલસાણામાં 1.18, દેદિયાપાડામાં 1.14, સુરત શહેરમાં 1, ઓલપાડમાં 0.87 ઈંચ વરસાદ ખાબક્યો છે. સવારે બે કલાકમાં રાજ્યના કુલ 44 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.