સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે પૂરની સ્થિતિ યથાવત્ છે. ખાડી પૂરના ગંદા પાણીથી ગંદકી પ્રસરી રહી છે. અને રહીશોમાં રોગચાળો ફાટવાનો પણ ડર ફેલાયો છે. સતત ચોથા દિવસે પણ અહીં ખાડી પૂરની સ્થિતિ યથાવત્ છે. મનપાને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઇ કામગીરી કરાઇ નથી. હવે જ્યારે અધિકારીઓનો કાફલો વરસાદી પાણીમાં ફસાયો છે. ત્યારે તેઓ પાળ બાંધી રહ્યા છે.


અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે મેયર

સુરતની હાલત બદસુરત થયા બાદ હવે શહેરના મેયર દક્ષેશ માવાણી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમની ગાડી પણ ગંદા પાણીમાં ફસાઇ હતી. SMC અધિકારીઓ સાથે તેઓએ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી. જ્યાં પાણી ઓસર્યા હતા. ત્યાં સ્થાનિકો અને SMC અધિકારીઓનું સંકલન કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય અને સફાઈ ટીમો કામે લાગી છે. મેયરે મુલાકાત દરમિયાન જણાવ્યુ હતુ કે, હજુ કેટલાક વિસ્તારોમાં પાણી છે. ટ્રાફિક બાબતે તેઓએ જણાવ્યુ હતુ કે, જ્યાં પાણીની સમસ્યા યથાવત્ છે. ત્યાં ટ્રાફિક જામ ન કરો. સ્થાનિકોની સમસ્યા સમજ્યા બાદ લોકોને આશ્વાસ આપવામાં આવ્યુ હતુ.

વરસાદી પાણીનો નિકાલ ક્યારે ?

સુરત સહિત અન્ય પંથકોમાં પણ વરસાદી પાણીની સમસ્યા યથાવત્ છે. વાહનોના સ્થાને હોડીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તંત્ર માટે મુશ્કેલ બાબત એ છે કે, સંપર્ક વિહોણા ગામમાં મદદ કેવી રીતે પહોંચાડવી. અતરિયાળ ગામડાંઓમાં સ્થિતિ વિકટ છે. અહીં વિકાસના અભાવે પાકા રસ્તા બન્યા નથી. જેના કારણે ભારે વરસાદમાં પૂરની સ્થિતિ સર્જાય છે. આ બધાની વચ્ચે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે તંત્રે તજવીજ હાથ ધરી છે. 

  • Follow us on: