થરાદ શહેરમાં લાંબા સમય બાદ ફરી મોડી રાત્રે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. થરાદ શહેરમાં માત્ર 37 mm વરસાદમાં ધાનેરા ત્રણ રસ્તા, સુંધલ નગર સોસાયટી, આશાપુરા સોસાયટી, બસ સ્ટેશન સહિત નીચાણવાળા વિસ્તારોની સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે. જેમાં સુંધલ નગર સોસાયટીમાં શિવ મંદિર આવેલું છે, શ્રાવણ મહિનામાં પૂજા અર્ચના કરવામાં લોકોને મુશ્કેલીઓ પડી છે.


રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને હાલાકી

આશાપુરા સોસાયટી માટેનો મુખ્ય રસ્તો નદી સમાન બની ગયો છે, તેના કારણે સ્કૂલના બાળકો તેમજ રોજિંદી ચીજ-વસ્તુઓ માટે મુશ્કેલી પડી રહી છે. ફોરલેન હાઈવે પરનું વરસાદી પાણી આ રસ્તા પર ભરાઈ જતા આ રસ્તો નદી સમાન બની જતાં મુશ્કેલીઓ પડી રહી છે. આ બાબતે સ્થાનિક રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે અમે સોસાયટીના તમામ લોકો સાથે મળી બેથી ત્રણ વખત લેખિત તેમજ મૌખિક રજૂઆત ગ્રામ પંચાયત, નગરપાલિકા અને લાગતા વળતા અધિકારીઓ તેમજ પદાઅધિકારીઓને કરી છે, તેમ છતાં અમારા પાણીનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી, અમારી એક જ માગ છે કે ભરાયેલા પાણીનો નિકાલ કરવામાં આવે. સુંધલ નગર સોસાયટીમાં છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણી ભરાઈ જાય છે, બાળકોને બાળ મંદિરે, શાળાએ કે સ્થાનિકોને પોતાના ઘરે જવામાં તકલીફ પડી રહી છે.

રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ

તમને જણાવી દઈએ કે રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. અમદાવાદના દસ્ક્રોઈમાં સૌથી વધુ 9.72 ઈંચ વરસાદ વરસ્યો છે. મહેમદાવાદમાં 8.15 ઈંચ, નડિયાદમાં 8.35 ઈંચ, માતરમાં 6.81 ઈંચ, કઠલાલમાં 5.12 ઈંચ વરસાદ વરસ્યો છે તો વસોમાં 5.39 ઈંચ, મહુધામાં 5.16 ઈંચ વરસાદ, ખેડામાં 3.98 ઈંચ, ઉમરેઠમાં 4.21 ઈંચ વરસાદ, ભિલોડામાં 3.39 ઈંચ, પાટણમાં 3.35 ઈંચ વરસાદ, ધોળકામાં 3.39 ઈંચ, ભાભરમાં 3.23 ઈંચ વરસાદ વરસ્યો છે. 

  • Follow us on: