વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકામાં લાંબા વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. છેલ્લા 10 દિવસથી વરસાદ ખેંચાતા ખેડૂતો અને સામાન્ય નાગરિકો ચિંતિત હતા. અસહ્ય ઉકળાટ અને બફારા બાદ થયેલા આ વરસાદથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. કરજણ તાલુકાના સીમળી, દેરોલી અને ફતેપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જ્યારે શિનોર તાલુકામાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદથી ખેતી પાકને પણ જીવતદાન મળ્યું છે.
શિનોરમાં પવન સાથે વરસાદ: રસ્તાઓ પર પાણી
શિનોર તાલુકામાં પવન સાથે આવેલા ભારે વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. શિનોર, સાધલી, અવાખલ અને ઉતરાજ જેવા વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે રસ્તાઓ પર પાણી વહેતા થયા છે, જેનાથી વાહનચાલકોને થોડી મુશ્કેલી પડી હતી, પરંતુ વાતાવરણ ખુશનુમા બની ગયું છે. લાંબા સમયથી ઉકળાટથી પરેશાન નાગરિકો માટે આ વરસાદ એક મોટી રાહત લઈને આવ્યો છે. ખેડૂતોના ચહેરા પર પણ ખુશી જોવા મળી રહી છે, કારણ કે આ વરસાદ ખરીફ પાક માટે અત્યંત જરૂરી હતો.













