વલસાડમાં ભારે વરસાદથી ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. 40 ગામને જોડતો કૈલાસ બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. લોકોને બ્રિજ પર અવરજવર ન કરવા તંત્રની અપીલ કરી છે. મામલતદાર, પોલીસ સહિતની ટીમો સ્થળ પર હાજર રહી લોકોને અવરજવર ન કરવાની અપીલ કરી રહી છે
ઓરંગા નદીમાં ઘોડાપૂર આવ્યું
ગુજરાતમાં હવામાનની આગાહીના પગલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. ડાંગમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ભારે વરસાદને કારણે નદી નાળા છલકાઈ ગયાં છે. બીજી તરફ અનેક કોઝ વે પર પાણી ફરી વળ્યાં છે. અંબિકા નદી પરનો ગીરા ધોધ અને શંકર ધોધ પણ સક્રિય થઈ ગયો છે. જિલ્લાની ચાર નદીઓમાં ભારે વરસાદને કારણે ઘોડાપૂર આવ્યાં છે.
રાજ્યમાં આજે વહેલી સવારથી મેઘરાજા વરસી રહ્યા
રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક જગ્યાએ મેઘરાજા વરસી રહ્યા છે. સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 92 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વલસાડના વાપીમાં 6.81 ઈંચ વરસાદ વરસ્યો છે તો પારડીમાં 5.04 ઈંચ, કપરાડામાં 4.49 ઈંચ વરસાદ, ધરમપુરમાં 4.25 ઈંચ, ઉમરગામમાં 3.9 ઈંચ વરસાદ, નવસારીના ખેરગામમાં 3.86 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ તારાજી પણ સર્જાઈ છે.