મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપની સામે ચાલી રહેલું ખેડૂતોનું આંદોલન હવે વધુ મક્કમ બન્યું છે. આંદોલન સમેટવા અને સુખદ અંત લાવવા માટે સરકાર દ્વારા મધ્યસ્થતાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ઉપવાસી છાવણી દ્વારા સરકારના આ આમંત્રણનો સવિનય અસ્વીકાર કરવામાં આવ્યો છે. ખેડૂત નેતા નિકેટ પંચાસરાએ સરકાર તરફથી મળેલું બેઠકનું આવેદન સ્વીકારવાનો સાફ ઇનકાર કરી દીધો છે.


વાતચીત માટે ખેડૂતોની કડક શરત

ખેડૂતોએ સરકાર સાથે વાટાઘાટોના દ્વાર બંધ નથી કર્યા, પરંતુ વાતચીત ટેબલ પર આવતા પહેલા એક કડક શરત મૂકી છે. ખેડૂત આંદોલનકારીઓનું કહેવું છે કે, તેઓ સરકાર સાથે ચર્ચા કરવા માટે બિલકુલ તૈયાર છે, પરંતુ તે પૂર્વે ખેડૂતોના દરેક મુદ્દા અને માગણીઓ પર સરકાર પોતાનો સ્ટેન્ડ લેખિતમાં સ્પષ્ટ કરે. સરકાર લેખિતમાં પોતાનો અભિગમ જણાવે તે પછી જ ખેડૂતો કોઈ પણ સત્તાવાર બેઠકમાં ભાગ લેશે.

પ્રાંત અધિકારી અને DySP ખાલી હાથે પરત

ગાંધીનગર અને સ્થાનિક વહીવટી તંત્રના આદેશથી ખેડૂતોને સમજાવવા અને મિટિંગનું આમંત્રણ આપવા માટે ખુદ પ્રાંત અધિકારી અને DySP ઉપવાસી છાવણી પર પહોંચ્યા હતા. જોકે, ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે પણ ખેડૂતો પોતાની માગ પર અડગ રહ્યા હતા અને મિટિંગનું આમંત્રણ સ્વીકાર્યું ન હતું, જેના કારણે અધિકારીઓએ ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. ખેડૂતોના આ કડક વલણથી હવે સરકારી તંત્રની ચિંતામાં વધારો થયો છે.


આ પણ વાંચો - Morbi News:જેતપર ગામે મંત્રીની ખાતરીનું સુરસુરિયું, આંદોલન વચ્ચે પણ ખાનગી વીજ કંપનીએ ખેતરોમાં પોલ ઊભા કર્યા


  • Follow us on: