મોરબી જિલ્લામાં રાતકડી હનુમાન મંદિર જવાના રસ્તે એક ચકચારજનક ઘટના સામે આવી છે, જ્યાં એક બિનવારસી માનવ લાશ ટુકડાઓમાં મળી આવી છે. લાશના ધડ, માથું અને હાથ જેવા અંગો જુદા જુદા ટુકડાઓમાં મળી આવતા આખા વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ હળવદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકનું નામ ઈશ્વરગીરી હોવાનું બહાર આવ્યું છે.


રાતકડી હનુમાન મંદિર જવાનાં રસ્તે મળ્યો મૃતદેહ

પોલીસના અનુમાન મુજબ લાશનો જે રીતે વિચ્છેદ થયેલો છે તે જોતાં એવી આશંકા છે કે મૃતદેહને કોઈ હિંસક પ્રાણી દ્વારા ક્ષત-વિક્ષત કરવામાં આવ્યો હોય. લાશના અંગો જુદા જુદા ટુકડામાં વેરવિખેર હાલતમાં મળી આવતા પોલીસે વિગતવાર તપાસ શરૂ કરી છે. જોકે મૃતકનું મોત કેવી રીતે થયું તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ શકી નથી. પોલીસે તમામ ટુકડાઓને એકઠા કરીને જરૂરી પંચનામું કર્યું હતું અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં મોકલી આપી છે.

હળવદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી

પીએમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. હળવદ પોલીસે હાલમાં અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને મૃત્યુ પાછળનું સાચું કારણ જાણવા અને કોઈ ગુનાહિત કાવતરું છે કે કેમ તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતક ઈશ્વરગીરીના પરિવારજનોનો સંપર્ક કરીને વધુ માહિતી મેળવવાની કવાયત પણ શરૂ કરી છે. આ ઘટનાએ મોરબી પંથકમાં ભય અને ગમગીનીનો માહોલ છવાયો છે.


  • Follow us on: