મોરબી શહેરમાં આજે મોડી સાંજે એક મોટી અને ભીષણ આગની ઘટના સામે આવી છે. શહેરના પીપળી રોડ પર આવેલા ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના સબસ્ટેશનમાં અચાનક ધડાકા સાથે આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. આગની શરૂઆત ધડાકા સાથે થતાં જ તેની તીવ્રતા ખૂબ જ વધી ગઈ હતી. સબસ્ટેશનના ટ્રાન્સફોર્મર અથવા અન્ય ઉપકરણોમાં લાગેલી આ આગના કારણે આકાશમાં દૂર સુધી ધુમાડાના કાળા ગોટેગોટા જોવા મળ્યા હતા.


ફાયર બ્રિગેડે આગ બુઝાવવાના પ્રયાસ હાથ ધર્યા

જેના કારણે આસપાસના રહેવાસીઓમાં ગભરાહટ ફેલાયો હતો. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ થવાની શક્યતા પણ છે. ઘટનાની જાણ થતાં જ મોરબી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ સબસ્ટેશનમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવીને સઘન પ્રયાસો હાથ ધર્યા હતા. સબસ્ટેશનમાં વીજ પ્રવાહ હોવાથી આગ બુઝાવવાની કામગીરી અત્યંત જોખમી અને પડકારજનક બની હતી.

આગ લાગવાનું કારણ હજુ અકબંધ

હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે પણ આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે અને ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યા બાદ નુકસાનનું આંકલન કરવામાં આવશે. આ ઘટનાથી જેટકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.


  • Follow us on: