રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનાં આયોજન કરીને શિક્ષણ માટે બાળકોને આવકારે તો છે પણ ખરેખર શાળામાં શિક્ષક છે કે કેમ તેની દરકાર લેવામાં નિષ્ફળ થઈ રહી તેવું હળવદ તાલુકાના રાતાભેર પ્રાથમિક શાળામાં લાગી રહ્યું છે. કારણ કે અહીં મહેકમ 16 શિક્ષકનું છે અને અભ્યાસ માત્ર 5 કરાવે છે અને તે પણ 519 વિદ્યાર્થીઓને, ત્યારે વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધતાલ હોય તેવું લાગી રહ્યું છે.


આ પ્રાથમિક શાળામાં 2017થી શિક્ષકની ઘટ હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે

હળવદના રાતાભેર પ્રાથમિક શાળામાં 2017થી શિક્ષકની ઘટ છે અને ગ્રામજનોએ અવારનવાર ધારાસભ્ય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને રાજકીય નેતાઓને શિક્ષક ઘટ અંગે રજૂઆત કરી છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આજ દિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને જેને લઈને હવે ગ્રામજનો અકળાયા છે, શિક્ષકની ઘટ પુરી પાડવા માગણી કરી રહ્યા છે.

શિક્ષણ વિભાગ ગાઢ નિંદ્રામાં

જિલ્લામાં 717 શિક્ષકની ઘટ છે, જેમાં મોરબી તાલુકામાં 1,149ના મહેકમ સામે 107ની ઘટ, માળિયામાં 378ના મહેકમ સામે 142, ટંકારા 357ના મહેકમ સામે 25ની ઘટ, વાંકાનેર 1027ના મહેકમ સામે 249ની ઘટ અને હળવદમાં 872ના મહેકમ સામે 94 શિક્ષકની હાલમાં ઘટ છે. રાતાભે પ્રાથમિક શાળામાં 1થી 8ના 519 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જેને શિક્ષણ આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકની ઘટ પુરી પાડવામાં આવી નથી, જેથી કરીને રાતાભેર ગ્રામજનોએ સરકાર સમક્ષ શિક્ષક ઘટ પુરી પાડવા માગણી કરી છે અને વહેલી તકે શિક્ષક આપવા જેથી બાળકોને શિક્ષણ મળી રહે.

  • Follow us on: