ખેડા જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે નડિયાદ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર સાહેબની જન્મભૂમિ એવા નડિયાદ શહેરમાં આ યાત્રાને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર નડિયાદ શહેરનું વાતાવરણ સરદાર સાહેબ અમર રહો અને ભારત માતા કી જયના ગુંજતા નારાઓથી રોમાંચિત બની ગયું હતું. યુનિટી માર્ચના તમામ પડાવો પર નગરજનોએ ઉમળકાભેર પદયાત્રીઓનું સ્વાગત કર્યું હતું અને તેમના પર પુષ્પવર્ષા કરીને અભિવાદન કર્યું હતું.
સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ
યુનિટી માર્ચ અંતર્ગત પીજ રોડ પર આવેલી શિવ શક્તિ સોસાયટી ખાતેના સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો. આ પ્રસંગે હાજર રહેલા મહાનુભાવોએ સરદાર સાહેબના યોગદાનને યાદ કરીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણએ જણાવ્યું હતું કે આ એકતા યાત્રા દેશની નવી પેઢીને સરદાર પટેલના જીવનકવનથી અવગત કરાવવાનો એક ઉત્તમ અવસર છે.













