નડિયાદમાં જામ્યો વરસાદી માહોલ. તેવામાં કુદરતે જાણે ગુજરાત ઉપર માઝા મૂકી હોય તેવું લાગી રહ્યું છે, વરસાદના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં પાણીની ઘણી સમસ્યાઓ સર્જાઈ રહી છે તેવા સમાચારો સામે આવી રહ્યા છે. તેવામાં નડિયાદ ખાતે વરસાદના કારણે શહેરના તમામ ગરનાળાઓ વરસાદી પાણીથી ઉભરાઈને પાણીમાં ગરકાવ થયા છે. ધોધમાર વરસાદથી ચારેકોર પાણી જોવા મળી રહ્યું છે.
માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યું
નડિયાદ શહરના નિચાણવાળા તમામ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતી સર્જાઈ છે. માર્ગો પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નડિયાદનું માઈ મંદિર, શ્રેયસ, ખોડીયાર ગરનાળુ પાણીમાં ગરકાવ થયા છે. વી.કે.વી રોડ, ડુમરાલ બજાર, દેસાઈ વગામાં પણ કમરસમા પાણી ભરાયા હતા. વરસાદી પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ તંત્ર સમક્ષ રજૂ કરી છે.
ધોધમાર વરસાદથી ઠેર ઠેર સરોવર જોવા મળ્યા
શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાથી સ્થાનિકોની સ્થિતિ કફોડી બની છે. રોડ રસ્તાથી લઈ ગરનાળાઓનો વરસાદી પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. વહેલી સવારથી સતત ધોધમાર વરસાદથી ઠેર ઠેર સરોવર જોવા મળ્યા હતા. તંત્ર દ્વારા બને તેટલા વહેલા આ પાણીનો નિકાલ લાવીને લોકોને આ સમસ્યાથી રાહત આપાવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.