નડિયાદમાં ઉત્તરાયણનો તહેવાર આવવામાં હજુ બે મહિનાની વાર છે ત્યાં જ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીએ શહેરમાં કહેર વર્તાવવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં નડિયાદ શહેરના વૈશાલી સિનેમા રોડ પર એક ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ટુ-વ્હીલર પર જઈ રહેલી કોલેજની એક યુવતીનું ગળું ચાઇનીઝ દોરીથી કપાઈ ગયું હતું. કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી મનીષા મારવાડી નામની આ યુવતી વૈશાલી સિનેમા રોડ પરથી પસાર થઈ રહી હતી.


વૈશાલી સિનેમા રોડ પર જતી યુવતી સાથે બન્યો બનાવ

તે જ સમયે અચાનક તેના ગળામાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી આવી જતાં તે લોહીલુહાણ થઈ ગઈ હતી. સદ્નસીબે તેની સાથે રહેલી મિત્રએ તાત્કાલિક સમજદારી વાપરી અને મનીષાને સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી. હોસ્પિટલમાં ENT ડોક્ટરે તરત જ તેની સારવાર શરૂ કરી દીધી હતી. જેના કારણે યુવતીનો જીવ બચી ગયો હતો. તાત્કાલિક અને યોગ્ય સારવાર મળી જવાથી એક મોટી દુર્ઘટના ટળી હતી. જોકે આ ઘટનાએ ફરી એકવાર ચાઇનીઝ દોરીના જોખમ અને તેના પરના પ્રતિબંધના અમલ સામે સવાલો ઊભા કર્યા છે.

યુવતીને ગળામાં ચાઇનીઝ દોરી વાગતા થઈ લોહીલુહાણ

યુવતીના ગળા પર ગંભીર ઈજા થઈ હોવા છતાં તેનો જીવ બચી જતાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ઘટના બાદ યુવતીના પિતાએ તંત્ર સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે ચાઇનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર કડક હાથે કાર્યવાહી કરવામાં આવે. નોંધનીય છે કે એક વર્ષ અગાઉ પણ નડિયાદમાં ચાઇનીઝ દોરીના કારણે 20 વર્ષીય એક યુવતીનો જીવ ગયો હતો. આ ઘટના પુરવાર કરે છે કે તંત્ર દ્વારા સખ્ત કાર્યવાહી કરવી અત્યંત જરૂરી છે, જેથી નિર્દોષ લોકોનો જીવ જોખમમાં ન મુકાય.


  • Follow us on: