ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સંકળાયેલા લાફકાંડ કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસના મુખ્ય ફરિયાદી સંજય વસાવાએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે કે, જો ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે તો તેઓ કેસ પરત ખેંચવા તૈયાર છે. હાલમાં ચૈતર વસાવા આ કેસમાં વડોદરાની જેલમાં બંધ છે.
ચૈતર વસાવા જાહેરમાં માફી માંગે : સંજય વસાવા
સંજય વસાવાએ જણાવ્યું કે, જો ચૈતર વસાવા ડેડીયાપાડાના બિરસા મુંડા ચોકમાં આવીને જાહેરમાં માફી માંગે, તો હું તેમને માફ કરવા તૈયાર છું અને કેસ પાછો ખેંચી લઈશ. તેમણે વધુમાં ઉમેર્યું કે, ચૈતર વસાવાએ સમાજના આગેવાનો અને મહિલાઓની હાજરીમાં માફી માંગવી પડશે. આ નિવેદન રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે.
સમાધાન થશે કે કેમ તેના પર પણ સવાલ
તમને જણાવી દઈએ કે, એક તરફ ચૈતર વસાવા જેલમાં છે, ત્યારે ફરિયાદી દ્વારા મૂકવામાં આવેલી આ શરત શું કેસના સમાધાનનો માર્ગ મોકળો કરશે કે કેમ તે જોવું રહ્યું. ચૈતર વસાવા આ શરત સ્વીકારશે કે કેમ તે પણ એક મોટો પ્રશ્ન છે. આ ઘટના બાદ હવે સમગ્ર કેસ એક નવા વળાંક પર આવી હયો છે. શું સમાજના દબાણ હેઠળ કે અન્ય કોઈ કારણોસર આ સમાધાનની શક્યતા ઉભી થઇ છે તે આગામી સમયમાં સ્પષ્ટ થશે.