પોતાના નીડર અને બેબાક નિવેદનો માટે જાણીતા નર્મદા-ભરૂચ બેઠકના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર પોતાના તીખા તેવરને કારણે ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમના નિશાન પર કોઈ વિરોધી પક્ષ નહીં, પરંતુ ખુદ તેમની જ પાર્ટી એટલે કે ભાજપના જ કાર્યકરો અને આગેવાનો આવ્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે આવેલા જાનકી આશ્રમમાં યોજાયેલી ભાજપની એક આંતરિક બેઠકમાં સાંસદ મનસુખ વસાવા સ્ટેજ પરથી જ કાર્યકરો પર જોરદાર વિફર્યા હતા અને પક્ષની અંદર ચાલતી આંતરિક ગતિવિધિઓની પોલ ખોલી નાખી હતી.
ભાજપના જ કેટલાક લોકો અંદરખાને પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે
બેઠકમાં હાજર ભાજપના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોને આડે હાથ લેતા મનસુખ વસાવાએ જાહેરમાં આકરા પ્રહારો કર્યા હતા. તેમણે બળાપો કાઢતા કહ્યું કે, "વિરોધી પાર્ટી કરતાં આપણા જ લોકો આપણને નડે છે. ભાજપના જ કેટલાક લોકો અંદરખાને પક્ષને નુકસાન પહોંચાડી રહ્યા છે." આટલેથી ન અટકતા તેમણે પક્ષના કેટલાક આગેવાનો પર ગંભીર આક્ષેપ કરતા ઉમેર્યું કે, વિસ્તારમાં ગેરકાયદેસર અડ્ડાઓ ચલાવનારા તત્વો સાથે ભાજપના જ કેટલાક લોકો સીધા સંકળાયેલા છે.













