બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા નવરાત્રિ મહોત્સવને લઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમો હેઠળ બહાર પાડવામાં આવેલ આ જાહેરનામાં મુજબ નવરાત્રિ મહોત્સવનું આયોજન સૌહાર્દપૂર્ણ અને સુરક્ષિત રીતે થાય તે માટે આયોજકોને કડક સુચનાઓ આપવામાં આવી છે.


હોસ્પિટલ-શૈક્ષણિક સંસ્થા નજીક અવાજ પ્રસારણ પર પ્રતિબંધ રહેશે

ગરબાના કાર્યક્રમો જાહેર જનતાને અડચણરૂપ ન બને તે માટે કોમન પ્લોટ કે જાહેર ઉપયોગી જગ્યાઓ પસંદ કરવાની રહેશે. પ્રવેશ-નિકાસ માટે અલગ ગેટ, પુરુષ-મહિલા માટે અલગ પ્રવેશદ્વાર, સીસીટીવી કેમેરા, સિક્યુરીટી સ્ટાફ, મેટલ ડિટેક્ટર, મહિલા સુરક્ષા કર્મચારી તેમજ ઈમરજન્સી ગેટ રાખવાના રહેશે. નશાની હાલતમાં આવેલ વ્યક્તિને પ્રવેશ આપવાનો નહીં અને શંકાસ્પદ જણાય તો તરત જ પોલીસને જાણ કરવાની રહેશે. ટિકિટો/પાસની ક્ષમતા કરતા વધુ વિતરણ ન કરવા, પાર્કિંગ વ્યવસ્થા સુચારુ રાખવા, વીજળી અને અગ્નિશામક સાધનોની સુવિધા ગોઠવવા તથા સ્ટેજની મજબૂતી અંગે PWDનું પ્રમાણપત્ર મેળવવાની રહેશે. રાત્રે ૧૨:૦૦ કલાક બાદ સાઉન્ડ સિસ્ટમ વગાડવાની નહીં અને હોસ્પિટલ-શૈક્ષણિક સંસ્થા નજીક અવાજ પ્રસારણ પર પ્રતિબંધ રહેશે.

જાહેરનામાંનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે

આયોજકોને રાજકીય કે ધાર્મિક ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ ન કરવા, ગેરરીતિ કે અશ્લીલતા ટાળવાની તથા તમામ સુરક્ષા પગલાં સાથે એમ્બ્યુલન્સ-મેડિકલ સુવિધાની વ્યવસ્થા કરવાની ફરજિયાત રહેશે. આ જાહેરનામું બનાસકાંઠા જિલ્લામાં તા. ૨૨/૦૯/૨૦૨૫ થી તા. ૦૨/૧૦/૨૦૨૫ સુધી અમલમાં રહેશે. જાહેરનામાંનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

  • Follow us on: