નવરાત્રિના તહેવારમાં ગુજરાતમાં વિવિધ પ્રદેશોમાં અલગ અલગ રીતે માતાજીની આરાધના કરવામાં આવે છે. જેમાં ગુજરાતમાં વસતા વિવિધ પ્રદેશમાં અલગ અલગ નૃત્ય તથા રાસ સુપ્રસિદ્ધ છે, ત્યારે ગુજરાતના પોરબંદરમાં અગ્રણી જ્ઞાતિ ગણાતી એવા મહેર સમાજમાં વર્ષો જુના મણીયારા રાસ વિશ્વ વિખ્યાત છે. આ વર્ષે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં મહેર સમાજના પુરુષો તથા સ્ત્રીઓ પરંપરાગત પહેરવેશમાં રાસ રમશે.
આ રાસ રમતા ખેલૈયાઓને જોવાની અલગ જ મજા છે
પોરબંદર વિસ્તારમાં મહેર જ્ઞાતિનું પ્રભુત્વ વધુ રહ્યું છે, ત્યારે વર્ષો પહેલા ગાયો તથા સ્ત્રીઓની રક્ષા કાજે લડતોમાં જ્યારે જીત થતી ત્યારે મણીયારો રાસ રમવામાં આવતો અને ખુશી મનાવવામાં આવતી હતી. આમ આ મણીયારો રાસ શોર્ય અને શૂરવીરતાનું પ્રતિક ગણાય છે. આજે માત્ર દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ આ મણીયારો રાસ પ્રખ્યાત ગણાય છે. આ રાસ રમતા ખેલૈયાઓને જોવાની અલગ જ મજા છે અને તેમને રમતા જોઈને જોનારાઓ પણ રોમાંચકતા અનુભવે છે. પોરબંદરમાં ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલમાં રમાતા મહેર સમાજના રાસમાં રમતી મહિલાઓ સોનાના ઘરેણા પહેરે છે. જેનું વજન અંદાજિત 1થી 2 કિલો સુધીનું હોય છે. આ ઘરેણાઓ પરંપરાગત સંસ્કૃતિ સાથે જોડાયેલા છે. જેમાં સોનાના ઘરેણાંમાં રાણી હાર, જુમણુ, વેઢલા, કડલું, કાઠલી અને પગમાં પણ ચાંદીના ઝાંઝર હોય છે.













