નવસારીના ગણદેવી રોડ પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કાર પુરઝડપે રોડ પરથી આવી રહી છે, જે બાદ આ કાર અચાનક રોડની સાઈડ પર આવેલા મોલની દિવાલ સાથે અથડાય છે. આ અકસ્માતમાં કારમાં સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે અન્ય ત્રણ યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી છે.


કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત

ઘટનાની મળતી વિગતો અનુસાર, નવસારીના ગણદેવી રોડ પર આવેલા તીઘરા નજીક કાર મોલની દિવાલ સાથે અથડાઇ હતી. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. ગંભીર અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ યુવાનો હાલ સારવાર હેઠળ છે.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

તીઘરા નજીકના સેન્ટ્રલ બાઝાર મોલની દિવાલ સાથે કાર અથડાઈ હતી, જે કારણે આ અકસ્માત સર્જાયો હતો. મોડી રાતે પૂરપાટ ઝડપે જતી ફોક્સવેગન કારના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે હંકારતા કાર ચાલકે સામેના છેડે પહોંચી જઈ મોલની દિવાલ સાથે ધડાકાભેર કાર અથડાવી હતી. આ અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  • Follow us on: