નવસારીના મુનસાડ ગામે બે પુત્રોની માતાની કરપીણ હત્યા કરી હત્યારો ફરાર થઈ ગયો હતો. આ ઘટના અંગે મળતી વિગતો મુજબ મરણ જનાર મહિલા સંગીતા હળપતીના લગ્ન અમદાવાદ ખાતે થયા હતા.જોકે તેના પતિનું નિધન થતા તે નવસારીના મુનસાડ ગામમાં આવી રહેવા લાગી હતી. જ્યાં તેનો પરિચય અડદા ગામના રાજુ જોડે થયો હતો. બંનેની આંખો મળી જતા તેઓ છેલ્લા ત્રણ વર્ષથી લિવ ઈન રિલેશનમાં રહેવા લાગ્યા હતા. જોકે રાજુ અગાઉ થી પરણિત હોય, સંગીતા વારંવાર તે મુદ્દે ઝઘડો કરતી હતી.


નવસારીમાં બે પુત્રોની માતાની કરપીણ હત્યા 

ગત તારીખ 26 ઓગસ્ટના રોજ રાજુ સંગીતા અને સંગીતાનો નાનો દીકરો ભેગા મળી ઘરથી દૂર ચાર કાપવા માટે ગયા હતા. જ્યાં સંગીતા અને રાજુ વચ્ચે ફરીથી ઝગડો થયો હતો. ઉશ્કેરાયેલા રાજુએ ક્રૂરતા પૂર્વક સંગીતાને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. માતાને મારી રહેલા રાજુને જોતા પુત્ર બચાવ માટે દોડી આવ્યો હતો. જેને પણ રાજુએ ચપ્પુના ઘા ઝીંકી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ મુનસાડ ગામમાં બૂમરાણ થતા નવસારી ગ્રામ્ય પોલીસ દોડી આવી હતી.પોલીસે સંગીતાના મૃતદેહનો કબજો લઈ તેના પુત્ર ને સારવાર માટે હોસ્પિટલ ખસેડયો હતો. સાથે જ સનકી હત્યારા રાજુને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

રાજુ પોલીસને વૃક્ષ ઉપર લટકતી હાલતમાં મળી આવ્યો

તે દરમિયાન પોલીસને રાજુના ફોનનું લોકેશન તે જ વિસ્તારની આજુ બાજુ મળ્યું હતું. પરંતુ અંતરિયાળ વિસ્તાર અને ઘૂંટણ સમા કાદવ વચ્ચે હત્યારાની શોધખોળ કરવી પોલીસ માટે અઘરી બની હતી.જેને લઈ જુદી જુદી ટીમો બનાવી ડ્રોન સર્વેલન્સ ના માધ્યમથી પોલીસે હત્યારાની શોધખોળ હાથ ધરી હતી.તે દરમિયાન પોલીસને લાલ રંગનો શર્ટ પહેરેલ કોઈક વ્યક્તિ અંતરિયાળ જંગલ જેવા વિસ્તારમાં હોવાનું પોલીસને ડ્રોન કેમેરામાં દેખાયું હતું.પોલીસે સ્થાનિક લોકોને મદદ લીધી. લગભગ ત્રણ કિલોમીટર જેટલો વિસ્તાર ખુંદયા બાદ એક સ્થળે પહોંચી. રાજુ પોલીસને વૃક્ષ ઉપર લટકતી હાલતમાં મળી આવ્યો. પોતાની પ્રેમિકાની હત્યા કર્યા બાદ તુરંત જ ફરાર થઈ રાજુએ વૃક્ષ ઉપર દોરડા વડે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી. હાલ આ મામલામાં પોલીસે સંગીતાની હત્યા અને રાજુની આત્મહત્યા મામલે બે અલગ ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: