નવસારી જિલ્લામાં આવેલા વાસંદા નેશનલ પાર્કનો એક ડ્રોન વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે. આ વીડિયોમાં સંવેદનશીલ એવા આ વિસ્તારની ઝલક જોવા મલેક છે, જેમાં નેરોગેજ ટ્રેન અને તેની સામે એક વ્યક્તિ દોડતો જોવા મળે છે. આ વીડિયો રીલ બનાવવાની ઘેલછામાં ઉતારવામાં આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.


પ્રતિબંધી વિસ્તારમાં ડ્રોન ઉડાડ્યું

આ ઘટના વધુ ગંભીર એટલા માટે છે કારણ કે, વાસંદા નેશનલ પાર્ક એ પ્રતિબંધિત અને સંરક્ષિત વિસ્તાર છે જ્યાં ડ્રોન ઉડાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તેમ છતાં, આ પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાડીને વીડિયો બનાવવામાં આવ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં નેશનલ પાર્કના મનોહર દ્રશ્યો સાથે નેરોગેજ ટ્રેનનું શૂટિંગ કરવામાં આવ્યું છે અને એક વ્યક્તિ ટ્રેનની સામે જોખમી રીતે દોડતો પણ દેખાય છે. આ સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન ઉડાડવાથી વન્યજીવો અને પર્યાવરણને નુકસાન થવાની શક્યતા રહે છે.

પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી

આ ઉપરાંત, આવા પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉપયોગ કાયદાકીય રીતે પણ ગુનો બને છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વાસંદા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ વીડિયો અંગે તપાસ શરૂ કરી છે અને ડ્રોન ઉડાડનાર વ્યક્તિને શોધી કાઢવા માટે પ્રયાસો કરી રહી છે. આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું છે.


  • Follow us on: