નવસારીની જાણીતી ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં એક દુર્ઘટના બની છે. જેમાં કરંટ લાગવાથી એક કામદારનું મોત થયું છે. આ ઘટના કોલેજમાં ચાલી રહેલા બાંધકામ સ્થળે બની હતી. જ્યાં કામદારને હંગામી લિફ્ટમાં કામ કરતી વખતે વીજ કરંટ લાગ્યો હતો. મૃતક કામદાર મૂળ મધ્યપ્રદેશનો હતો અને પોતાના પરિવાર સાથે મજૂરી કરવા માટે નવસારી આવ્યો હતો. આ દુર્ઘટના બનતાં જ બાકીના કામદારો અને સુપરવાઈઝર દ્વારા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.


કોલેજમાં ચાલી રહેલ બાંધકામ સ્થળે કામદારને લાગ્યો કરંટ

જોકે હોસ્પિટલમાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જેમાં લિફ્ટનું સમારકામ, વીજળીના વાયરિંગ અને સલામતીના નિયમોનું પાલન થયું હતું કે કેમ તે અંગેની વિગતો મેળવવામાં આવી રહી છે.

સીવિલ હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર તબીબે કામદારને મૃત જાહેર કર્યો

આ દુર્ઘટનાએ બાંધકામ સ્થળોએ કામદારોની સુરક્ષાને લગતા પ્રશ્નો ઊભા કર્યા છે. આ પ્રકારના સ્થળોએ કામદારોની સુરક્ષા માટે પૂરતા પગલાં લેવા અને વીજળીના ઉપકરણોની નિયમિત તપાસ થવી જરૂરી છે. આ ઘટનાએ મૃતકના પરિવારજનોને ભારે શોકમાં મૂકી દીધા છે અને તેઓએ ન્યાયની માંગ કરી છે. પોલીસની તપાસ બાદ જ આ ઘટનાના સાચા કારણો બહાર આવશે.


  • Follow us on: