બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તથા પંચાયત હેઠળ વિવિધ માર્ગોના સુધારા અને નવીનીકરણના કાર્યો ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે સ્થાનિક નાગરિકો અને વાહનચાલકોને વધુ સુવિધાસભર માર્ગ સુવિધાનો લાભ મળી રહેશે. બનાસકાંઠામાં વિવિધ રોડ- રસ્તાઓના નવીનીકરણનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.


રોલર ક્રેશ બેરિયર લગાડી રસ્તાને વધુ સલામત બનાવ્યો

માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા જૂના ડીસા– ગઢ– કાણોદર માર્ગના ભાગમાં ૩.૭૫ મીટર પહોળા માર્ગને ૧૦.૦૦ મીટર પહોળો (વાઈડનીંગ) બનાવવા માટેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાઈ છે. આ કામગીરી થકી જુના ડીસા થી ગઢને જોડતા વાહનવ્યવહારને વધુ સુગમતા, સુરક્ષા અને સુવિધા પ્રાપ્ત થશે તેમજ આ વિસ્તારના વિકાસમાં પણ વધારો થશે. આ સાથે અંબાજી રાજ્ય ધોરીમાર્ગ પર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા અંબાજી ત્રિશુલીયા ઘાટ પર કોરિયન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રોલર ક્રેશ બેરિયર લગાડી રસ્તાને વધુ સલામત બનાવ્યો છે.

રોલર ક્રેશ બેરિયર પર વાહન અથડાય તો રસ્તા પર રહેશે

આ રોલર ક્રેશ બેરિયર પર વાહન અથડાય તો રસ્તા પર જ વાહન રહેશે અને ખીણમાં જશે નહીં જેથી વાહન ચાલકોને વધુ નુકશાન નહીં થાય તેમજ સલામતી જળવાઈ રહે તેવી સુંદર કામગીરી વિભાગ દ્વારા કરાઈ છે. માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા પાસે આવેલ અરણીવાડા ગામ થી ઇકબાલગઢ ખારાને જોડતા એપ્રોચ રોડના રિસરફેસિંગનું કામ શરૂ કરાયું છે. આ રસ્તાના રિસરફેસિંગથી સ્થાનિક નાગરિકો, વિધાર્થીઓ તથા ખેડૂતોની મુસાફરી વધુ આરામદાયક અને સુગમ બનશે.

  • Follow us on: