પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં મેઘ મહેર યથાવત રહેતા કરાડ નદી પરનો ડેમ છલકાયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે ડેમમાં સતત પાણીની આવક થતાં તે ઓવરફ્લો થયો છે. ડેમના ઓવરફ્લો થવાના કારણે આસપાસના વિસ્તારમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. જેને જોવા માટે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. ગત થોડા દિવસોથી પંચમહાલ જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને ઘોઘંબા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદ નોંધાયો છે.


ઉપરવાસમાં વરસાદને કારણે કરાડ નદીનો ડેમ છલકાયો

આ વરસાદને પરિણામે કરાડ નદીના ડેમમાં પાણીની આવક સતત વધી રહી હતી. હાલમાં ડેમમાં 900 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેને કારણે ડેમની સપાટી તેની પૂર્ણ સપાટી વટાવી ગઈ છે અને તે ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં જ ડેમ પરથી પાણીની જોરદાર આવક શરૂ થઈ છે અને આ પાણીનો પ્રવાહ 900 ક્યુસેક જેટલો છે. ડેમ પરથી ધસમસતા પ્રવાહ સાથે વહેતા પાણીના દૃશ્યો મંત્રમુગ્ધ કરી દે તેવા છે.

ડેમ ઓવરફ્લો થતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

લીલીછમ હરિયાળી વચ્ચેથી વહેતા પાણીનો પ્રવાહ અને તેનો અવાજ વાતાવરણને આહલાદક બનાવી રહ્યો છે. આ કુદરતી સૌંદર્યને માણવા માટે આસપાસના ગામોના લોકો અને પ્રકૃતિપ્રેમીઓ મોટી સંખ્યામાં ડેમ પર પહોંચી રહ્યા છે. સ્થાનિક તંત્ર દ્વારા પણ ડેમની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ડેમ ઓવરફ્લો થવાથી આસપાસના વિસ્તારોમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણ કે આ પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થઈ શકશે.


  • Follow us on: