આ વર્ષે ચોમાસુ શરૂઆતથી જ ધમાકેદાર રહ્યું અને પ્રથમ વરસાદથી જ પાણી જ પાણી થઇ ગયા અને સ્વાભાવિક છે કે ધોધમાર વરસાદ ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરતો જતો હોય છે અને આ વર્ષે તો જાણે હાહાકાર મચાવતા વરસાદથી સમગ્ર ગુજરાતના રોડ રસ્તા અને જર્જરિત પુલ અને નાળાઓની હાલત ખરાબ થઇ ગયેલ છે.


પુલ પર ખાડા પડી ગયા

ગોધરા શહેરના પુર્વ વિસ્તારમાં આવેલ ન્યુઇરા સ્કૂલની પાછળ આવેલ આનંદ નગર સોસાયટી પુરી થતા આગળ આવેલ નાળા પર એક બ્રિજ જે હાલ બિલકુલ જર્જરિત બની ગયેલ છે અને એની ઉપર પણ સતત મેટલ નાખી નાખીને વજન પણ વધી ગયેલ છે તદ્દ ઉપરાંત વરસાદને લઇ પુલ ઉપરના રસ્તા પર પણ ઉંડા ઉંડા ખાડા પડી ગયેલા છે.

મેટલ નાખીને બ્રિજની કામગીરી કરાઈ

ખાસ આ બ્રિજ પરથી પેલે પાર જિલ્લાનું મુખ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, 5 જેટલી સ્કુલ, 15 જેટલી રહેણાંક સોસાયટીઓ અને કેનાલ તળાવ આવેલ છે અહીં નાળાની બિલકુલ પાસે સ્વામિનારાયણ મંદીર પણ આવેલ છે અને સતત ટ્રાફિકથી આ બ્રિજ ધમધમતો રહે છે છતાં જોખમી એવા આ બ્રિજને રીપેર કરવાના નામ પર માત્ર મેટલ નાખીને તંત્ર સંતોષ માને છે.

ગોધરાના સ્થાનિકોમાં પણ રોષની લાગણી

લાગે છે કે ગંભીરા બ્રિજની ઘટના પછી પણ તંત્રને ઉંઘ ઉડી નથી અને વધુ એક અકસ્માતની જાણે રાહ જોઈને બેઠા હોય એમ લાગે છે, કેમ કે અહીંથી રોજની 100 જેટલી સ્કુલ વાન પસાર થાય છે. રોજેરોજ અહીં ટુ વ્હીલર ચાલકો આ બ્રિજ પર સ્લીપ ખાતા હોય છે અને ઇજાગ્રસ્ત થતા હોય છે. આસપાસના રહીશો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હોવા છતાં માત્ર ખાડાઓ જ પુરવામાં આવ્યા પણ ખખડધજ એવા આ બ્રિજને નવીન બનાવવા બાબતે તંત્ર વિચારતું પણ નથી ત્યારે શું હવે અહીં પણ કોઈ મોટો અકસ્માત થાય એની રાહ જોઈ ને બેઠું છે એમ સમજી સ્થાનિકો રોષની લાગણી અનુભવી રહ્યા છે.

  • Follow us on: