પાટણ જિલ્લાના રાધનપુરમાં ખુલ્લી ગટરના કારણે એક ગંભીર દુર્ઘટના બની છે. જેમાં 55 વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટી તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે. રાધનપુરના વોર્ડ નંબર 7માં આવેલી સરસ્વતી નગર સોસાયટીના ગેટ પાસે આ દુર્ઘટના બની હતી. આ વિસ્તારમાં ઠેર ઠેર ખુલ્લી ગટરો આવેલી છે. જે સ્થાનિક લોકો માટે જોખમી બની રહી છે.
આ બનાવ સરસ્વતી નગર સોસાયટી ગેટ સામે બન્યો
ગઈ મોડી સાંજે 55 વર્ષીય નર્મદાબેન નામના મહિલા આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ ખુલ્લી ગટરમાં ખાબક્યા હતા. ગટરમાં પડવાથી નર્મદાબેનને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો તેમને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે માથામાં થયેલી ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું.













