પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં આજે ભાજપની 'યુનિટી માર્ચ' (Unity March) દરમિયાન અણધાર્યો માહોલ સર્જાયો હતો. સ્થાનિક વિસ્તારની લગભગ 100થી વધુ મહિલાઓએ એકઠા થઈને માર્ચમાં સામેલ ભાજપના નેતાઓ અને પદાધિકારીઓને ઘેરી લીધા હતા. આક્રોશિત મહિલાઓએ છેલ્લા ત્રણ વર્ષથી વરસાદી પાણી ભરાઈ રહેવાની ગંભીર સમસ્યા મુદ્દે નેતાઓને સવાલો કર્યા હતા અને તાત્કાલિક ઉકેલની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. ભાજપના નેતાઓ જ્યારે આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મહિલાઓ એકાએક રસ્તા પર આવી ગઈ હતી અને તેમને ઘેરી લીધા હતા.


અંબાજી નેળીયામાં ભાજપ નેતાઓની 'ઘેરાબંધી'

મહિલાઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, "ગમે તેટલી રજૂઆતો કરવા છતાં, અમારા વિસ્તારમાં ચોમાસા દરમિયાન અને ત્યાર બાદ પણ પાણી ભરાઈ રહે છે, જેના કારણે રોગચાળો અને અવર-જવરની મોટી સમસ્યા થાય છે." તેમણે નેતાઓને સીધો સવાલ કર્યો હતો કે ત્રણ વર્ષથી આ સમસ્યાનો ઉકેલ કેમ આવ્યો નથી. સ્થિતિ તંગ બનતા, નેતાઓએ મહિલાઓને શાંત પાડવાના પ્રયત્નો કર્યા હતા અને તેમની રજૂઆત સાંભળી હતી. જોકે, મહિલાઓએ જ્યાં સુધી નક્કર ખાતરી ન મળે ત્યાં સુધી નેતાઓને આગળ વધવા દીધા ન હતા. આ ઘટનાએ ભાજપના કાર્યક્રમમાં ભંગ પાડ્યો હતો અને સ્થાનિક સમસ્યાઓ પ્રત્યે લોકોમાં રહેલા આક્રોશને ખુલ્લો પાડ્યો હતો. આ મામલે નેતાઓએ તાત્કાલિક ધોરણે પગલાં લેવાની ખાતરી આપીને મામલો થાળે પાડ્યો હતો.



  • Follow us on: