ગુજરાતમાં સ્માર્ટ મીટરનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. ત્યારે પાટણ શહેરમાં પણ સ્માર્ટ મીટરનો વિરોધ સામે આવ્યો છે. શહેરમાં જીણી પોળ વિસ્તારમાં આવેલા લાલા પટેલના માઢમાં આજે એજન્સીના લોકો જાણ કર્યા વિના સ્માર્ટ મીટર નાંખવા આવતા રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.


એજન્સી અને રહીશો વચ્ચે મામલો ગરમાયો

પાટણ શહેરમાં લાલા પટેલના માઢમા એજન્સીના લોકો દ્વારા કોઈપણ રહીશોને જાણ કર્યા વિના જુના મીટરો નીકાળીને કોઈની મંજૂરી લીધા વગર સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરી દીધું હતું.એજન્સીના લોકો દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવતા માઢના તમામ લોકો ભેગા થઇ ગયા હતા અને એજન્સીના લોકો તેમજ માઢના રહીશો વચ્ચે મામલો ગરમાયો હતો.સ્થાનિક રહીશોએ માઢમા સ્માર્ટ મીટર લગાવવાની મનાઈ કરી દીધી હતી અને સ્માર્ટ મીટર લગાવવા માટે એજન્સીના લોકો દ્વારા જે જુના મીટરનું બોક્ષ ખોલીને સીલ તોડી દેવામાં આવ્યું હતું તે બોક્ષમા ફરીથી સીલ ના વાગે ત્યાં સુધી નવા સ્માર્ટ મીટરો એજન્સીના લોકોને આપવાનો ઇન્કાર કર્યો હતો.

સ્થાનિકોને સ્માર્ટ મીટર વિશે સમજાવવાની કોશિષ કરી

લાલા પટેલના માઢમા સ્થાનિકો અને એજન્સીના લોકો દ્વારા સ્માર્ટ મીટર લગાવવાનો મામલો ગરમાતા UGVCLના કર્મચારીઓ માઢમાં આવ્યા હતા. સ્થાનિકોને સ્માર્ટ મીટર વિશે સમજાવવાની કોશિષ કરી હતી. પરંતુ સ્થાનિકોએ તેમના જુના મીટરને બદલવાની મનાઈ તેમજ તેમના જુના મીટર બોક્ષ પર લગાવવામાં આવેલા સીલ ને જે પરિસ્થિતિમા હતું તે જ પરિસ્થિતિમા કરી દેવાની વાત કરતા અંતે UGVCLના કર્મચારીઓ દ્વારા એજન્સીના લોકોને જુના મીટર બોક્ષ પર સીલ મારવાનો હુકમ કરવામાં આવતા એજન્સીના લોકો દ્વારા જેટલા જુના મિટરોના બોક્ષ ખોલવામાં આવ્યા હતા તે મીટર બોક્ષ પર શીલ મારવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. 

  • Follow us on: