સરકાર બાળકો ભણે તે માટે નવી નવી યોજનાઓ લાવી રહી છે. ત્યારે આજે પણ ઘણા ગામડાઓમાં માધ્યમિક શાળા નથી. જે કારણે વિદ્યાર્થીઓને ભણવા માટે મુસાફરી કરવાની ફરજ પડે છે. આ માટે સરકાર એસટી બસમાં મુસાફરી કરવા વિદ્યાર્થી પાસ આપે છે, પણ ઘણા ગામડામાં તો એસટી બસ પણ જતી નથી. આવા ગામોના વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બને છે.
તંત્રના પાપે વિદ્યાર્થીઓને જીવનું જોખમ
પાટણ જિલ્લાના સમી તાલુકામાં તંત્રના પાપે વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવા પડી રહ્યો છે. આ તાલુકાના ગામડાઓ માટે GSRTC દ્વારા ST બસ ન ફાળવવામાં આવતા વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં લટકીને કે તેની છત પર બેસીને મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે.
ભણવા માટે વિદ્યાર્થીઓ કાપે છે 30થી 40 કિમીનું અંતર
સમી તાલુકાના વેડ, બાદરગંજ અને અમરાપુર ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે બહાર ગામ જવું પડે છે. આ માટે એસટી બસની કોઈ વ્યવસ્થા નથી. વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં મુસાફરી કરીને ભણવા માટે જાય છે. આ દરમિયાન વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં લટકીને મુસાફરી કરતા જોવા મળે છે. વિદ્યાર્થીઓ 30થી 40 કિમીનું અંતર કાપીને ભણવા જાય છે.
વિદ્યાર્થીઓને ભારે હાલાકી
પાટણના સમીમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા મજબૂર થયા છે. સમી તાલુકાના વેડ, બાદરગંજ, અમરાપુર ગામમાં ST બસ ન આવતા વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અમરાપુર, બાદરગંજ અને વેડ ગામના ધોરણ 8થી 12ના વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં લટકીને મુસાફરી કરી રહ્યા છે.
એસટી બસ શરૂ કરવા માટેની માંગ
આ વિદ્યાર્થીઓ સમી, બાસ્પા, ભદ્રાડા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. વેડ અને બાદરગંજ ગામના વિદ્યાર્થીઓ આશરે 30 થી 40 કિમી અંતર કાપીને શાળાએ પહોંચે છે. જે કારણે વિદ્યાર્થીઓ સમયસર શાળાએ પહોંચી શકતા નથી. આ સાથે તેમને ઘરે પરત ફરવા માટે સમયસર વાહનો મળતા નહીં. આવામાં વિદ્યાર્થીઓ અને વાલી દ્વારા એસટી બસ શરૂ કરવા માટેની માંગ કરવામાં આવી રહી છે.