બનાસકાંઠા જિલ્લાની બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે.10 ઓક્ટોબરે બનાસ ડેરીના 16 ડિરેક્ટરો માટે ચૂંટણી યોજવાની છે.આ ચૂંટણી પ્રક્રિયાને લઈ આજે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ હતો.બનાસ ડેરીની 16 બેઠકોમાંથી 6 બેઠકો પર સિંગલ ઉમેદવારી ફોર્મ ભરાયા છે તો 10 બેઠકોમાં ચૂંટણનો જંગ જામે તેવી શક્યતાઓ વચ્ચે મોટાભાગની બેઠકો ઉપર ભાજપ સામે ભાજપની જ ટક્કર જેવી સ્થિતિ ઉભી થઈ છે. આજે છેલ્લા દિવસની અંતિમ ક્ષણો પહેલા 6 બેઠકો બિનહરિફ જાહેર થઈ છે.


બનાસ ડેરીમાં 16માંથી 6 બેઠકો બિનહરિફ

બનાસ ડેરીની ચૂંટણીને લઈ આજે ઉમેદવારી ફોર્મ ભરવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. જો કે ડેરીની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો ઉપર ભાજપના જ નેતાઓ સામસામે આવી ગયા છે. 16 ડિરેક્ટરોની બેઠકોની ચૂંટણીમાં 6 બેઠકો પરથી સિંગલ ફોર્મ ભરાતા 6 બેઠકો બિનહરીફ થઈ છે. તો 10 બેઠકો પર એક કરતાં વધુ ફોર્મ ભરાયા છે. જેમાંની મોટાભાગની બેઠકો ઉપર ભાજપના દિગ્ગજો આમને સામને આવી ગયા છે.

આ બેઠકો પર ભાજપના દિગ્ગજો આમને સામને

પાલનપુર બેઠક પરથી પૂર્વ કેન્દ્ર મંત્રી હરિ ચૌધરી સામે પાલનપુર બેઠકના વર્તમાન ડિરેક્ટર ભરત ચૌધરી છે. વડગામ બેઠક પરથી વર્તમાન ડિરેક્ટર દિનેશ ભટોળની સામે વડગામ માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન કે પી ચૌધરીએ મોરચો માંડ્યો છે.દાંતીવાડા બેઠક પરથી બનાસ મેડિકલના ચેરમેન અને બનાસ ડેરીના ડિરેક્ટર પી.જે. ચૌધરીની સામે પાંથાવાડા માર્કેટ યાર્ડના વર્તમાન ડિરેક્ટર વિનોદ ભુતડીયા મેદાને ઉતર્યા છે.કાંકરેજ બેઠક પર વર્તમાન ડિરેક્ટર અણદા પટેલની સામે થરા માર્કેટયાર્ડના ડિરેક્ટર બાબુ ચૌધરીએ ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું છે.

વાવ બેઠક બિનહરિફ થાય તેવી શક્યતાઓ

ધાનેરામાં મૂળ કોંગ્રેસી અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરી ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય અને બનાસ ડેરીના ડિરેક્ટર જોઈતા પટેલની સામે ભાજપના જ આગેવાન જોઈતા ચૌધરી ઉમેદવારી નોંધાવી છે. જ્યારે દાંતા લાખણી સાંતલપુર અને દિયોદરમાં પણ એક કરતાં વધુ ફોર્મ ભરાતા ચૂંટણીનો જંગ જબરદસ્ત રીતે ખેલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.જોકે વાવ બેઠક પરથી વર્તમાન ચેરમેન રાયમલભાઈ ચૌધરી અને તેમના ધર્મ પત્નીનું ઉમેદવારી ફોર્મ ભરાતા વધુ એક બેઠક બિનહરીફ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી રહી છે.

બનાસડેરીની ચૂંટણીમાં અંતિમ દિવસે 50 ફોર્મ ભરાયા

બનાસ ડેરીની ચૂંટણીમાં અંતિમ દિવસે 36 ઉમેદવારો દ્વારા 50 ફોર્મ ભરાયા છે. 16 મતદાર મંડળો પૈકી 6 પર સિંગલ ફોર્મ ભરાયા છે. 10 મતદાર મંડળો ઉપર 2 થી 7 ફોર્મ ભરાયા છે. વડગામ મતદાર મંડળ પર 7 ઉમેદવારોએ 10 ફોર્મ ભર્યા છે.


  • Follow us on: