ગુજરાત વિધાનસભામાં ટૂંક સમયમાં જ બે નવા ઉપ દંડક (Deputy Whips)ની નિમણૂક કરવામાં આવશે. વર્તમાનમાં જે બે ધારાસભ્યો આ જવાબદારી સંભાળી રહ્યા હતા, તેમને તાજેતરમાં મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવતાં તેમના પદો ખાલી પડ્યા છે. અગાઉ, કૌશિક વેકરિયા અને રમણ સોલંકી ઉપ દંડકની મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા હતા. પક્ષ દ્વારા તેમને મંત્રી તરીકેની નવી અને મોટી જવાબદારી સોંપવામાં આવતાં, હવે પક્ષના નેતૃત્વને સભાગૃહમાં શિસ્ત અને સંકલન જાળવવા માટે નવા ચહેરાઓની પસંદગી કરવી પડશે.
પક્ષની રણનીતિ મુજબ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાંથી નેતાઓને મળી શકે જવાબદારી
વિધાનસભામાં ઉપ દંડકની નિમણૂક પક્ષની આંતરિક રણનીતિ અને પ્રાદેશિક સંતુલન જાળવવાના ઉદ્દેશથી કરવામાં આવે છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ ખાલી પડેલી બે જગ્યાઓ પર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત જેવા મહત્વના પ્રદેશોમાંથી કોઈ સક્રિય અને અનુભવી ધારાસભ્યોને જવાબદારી સોંપાઈ શકે છે. આ નિમણૂક દ્વારા પક્ષ વિવિધ પ્રાદેશિક જૂથો અને સામાજિક સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયાસ કરશે. ઉપ દંડક ગૃહમાં સત્તાપક્ષના સભ્યોની હાજરી, મતદાન દરમિયાનની ભૂમિકા અને પક્ષની નીતિઓનું પાલન કરાવવા માટે મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે.













