આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રી મંડળની રચના થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈથી ગાંધીનગર પરત ફર્યા હતાં. તેમના નિવાસ સ્થાને મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભૂપેન્દ્ર પટેલે હાઈકમાન્ડના નિર્ણયની મંત્રીઓને જાણકારી આપી હતી. ત્યાર બાદ મંત્રીઓ પાસેથી રાજીનામા લેવામાં આવ્યા હતાં. હવે મુખ્યમંત્રી રાજ્યપાલ સાથે બેઠક કરશે અને નવા મંત્રીઓની યાદી પણ સોંપશે. બીજી તરફ વહિવટી તંત્રએ પણ નવા મંત્રીઓની ગાડીઓ અને બંગલા અંગેની વિગતો મેળવવાનું શરૂ કરી દીધું છે.
નવા મંત્રીઓ માટે બંગલા અને ગાડીની સૂચના
ગુજરાત સામાન્ય વહિવટ વિભાગને રાજ્ય સરકારના નવા મંત્રીઓ માટે બંગલા અને ગાડીની સૂચના આપી દેવામાં આવી છે. જેથી વિભાગ દ્વારા ગાંધીનગરમાં ખાલી બંગલા અને ગાડીઓ અંગે વિગતો મંગાવવામાં આવી છે. શપથવિધિ બાદ નવા મંત્રીઓને વાહન અને મકાનો ફાળવવામાં આવશે. સામાન્ય વહિવટ વિભાગ દ્વારા જે મંત્રીઓને પડતા મુકવામાં આવશે તેમના બંગલા અને ગાડીઓ પરત લેવામાં આવશે. આ બંગલા અને ગાડીઓ નવા મંત્રીઓને ફાળવવામાં આવશે. રાજીનામું આપનાર કેટલાક મંત્રીઓએ ઓફિસો ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. ભગવાન સહિતનો સામાન ખાલી કરવામાં આવ્યો છે.













