આવતીકાલે શુક્રવારે ગુજરાતના મંત્રી મંડળની શપથવિધિ યોજાવાની છે. આ પહેલા રાજ્યના મુખ્યમંત્રી સિવાયના 16 મંત્રીઓએ રાજીનામા આપીને પોતાનો સરકારી બંગલો અને ગાડી જમા કરાવી દીધી હતી. આ ઉપરાંત કાર્યાલય પણ ખાલી કરી નાંખ્યા હતાં. ત્યાર બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ગાંધીનગર પહોંચ્યા હતાં. તેમની સાથે કેન્દ્રીય નેતાઓ પણ પહોંચ્યા હતાં. મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ડીનર ડિપ્લોમસી યોજાઈ હતી.


મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની મુલાકાત રદ થઈ

મંત્રી મંડળની શપથ વિધિ પહેલા છેલ્લી ઘડીએ મુખ્યમંત્રીની રાજ્યપાલ સાથેની મુલાકાત રદ થઈ હતી. આવતીકાલે સવારે જ મુખ્યમંત્રી નવા મંત્રીઓની યાદી રાજ્યપાલને સોંપશે અને શપથવિધિ માટેની પરવાનગી લેશે. આ પહેલા આજે રાત્રે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસ સ્થાને ડીનર ડિપ્લોમસી યોજાઈ હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, સુનિલ બંસલ, રત્નાકર પાંડે અને જગદીશ વિશ્વકર્મા હાજર રહ્યા હતાં.

જે.પી નડ્ડા સહિતના નેતાઓએ મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચાઓ કરી

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને યોજાયેલી ડીનર ડિપ્લોમસી દરમિયાન જે.પી નડ્ડા સહિતના નેતાઓએ મંત્રીમંડળના વિસ્તરણ અંગે ચર્ચાઓ કરી હતી. આ દરમિયાન નવા મંત્રી મંડળના વિસ્તરણને આખરી ઓપ અપાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે.પી નડ્ડા અને સુનિલ બંસલ સાથે ચર્ચાઓ કરી હતી. આ ઉપરાંત ગુજરાત ભાજપના નવા નિમાયેલા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકરે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ કરી હતી.


  • Follow us on: