ગીર સોમનાથના ઉનામાં કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્ય હીરા સોલંકી અને પરષોત્તમ સોલંકી હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં હીરા સોલંકીએ શાયરાના અંદાજમાં પ્રવચન આપ્યું હતું. તેમણે જાહેરમાં બોલેલી શાયરીને કારણે રાજકીય ચર્ચાઓ તેજ બની છે. તેમણે સમાજના લોકોને કહ્યું હતું કે, તમારો સમય ખરાબ આવશે ત્યારે પરષોત્તમ અને હીરા સોલંકીના પરિવારને યાદ કરજો તમારી સાથે આવીને ઉભા રહીશું. બીજી તરફ મંત્રી પરષોત્તમ સોલંકીએ પણ ધોકા ઉપાડવાની વાત પર ખુલાસો કર્યો હતો.
સમાજને કોઈ દુઃખી કરતુ હશે તો નહીં છોડુ
ગીર સોમનાથના ઉનામાં યોજાયેલા કોળી સમાજના સમૂહ લગ્ન સમારોહમાં મંત્રી પરષોત્તમ સોલંકીનો દબંગ અંદાજ જોવા મળ્યો છે. તેમણે કહ્યું હતું કે, ઘણીવાર જાહેર સભામાં કંઈક કહી દઉ છું. કોઈ ના સમજે તો ધોકા વાળી કરાય. જ્યારે આ મુદ્દો સમાચારમાં આવ્યો ત્યારે તેનો ઘણો પ્રચાર થયો. મીડિયા વાળાએ મને પૂછ્યું કે, આ વિશે તમારુ શું કહેવું છે, મે કહ્યું કે જે કહ્યું તે સાચુ છે. તમે ના સમજો તો એ તમારો વિષય છે. હું જે કહું છું તે સાચું છે મારા સમાજ માટે જરૂરી છે. મારા કોળી સમાજને કોઈ દુઃખી કરતુ હશે તો નહીં છોડુ. મને મારો કોળી સમાજ ઘણો પ્યારો છે. હું જે કરું છું તે દિલથી કરુ છું. સમાજના ભલા માટે કરુ છું.













