સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં સ્થાનિક નગરપાલિકા ચૂંટણી દરમિયાન વોર્ડ નંબર 1માં ઉમેદવારો વચ્ચે હંગામાનો બનાવ સામે આવ્યો છે. મતદાન દરમિયાન રાજકીય તણાવ વધતા અપક્ષ ઉમેદવાર જયસિંહ તંવર અને સ્થાનિક ભાજપ કાર્યકર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઘર્ષણ સુધી પહોંચી ગયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈડર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા જયસિંહ તંવર સાથે ભાજપના કાર્યકરો વચ્ચે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ થોડા જ સમયમાં વધીને હંગામામાં ફેરવાયો હતો, જેના કારણે મતદાન સ્થળે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલો આગળ જઈ ઈડર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.













