લોકશાહીના પર્વની ઉજવણીમાં આજે સુરતના ઓલપાડમાં એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની સુરત જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીના ઉત્સાહ વચ્ચે એક નવદંપતીએ લગ્નના ફેરા ફરતા પહેલા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી સૌના દિલ જીતી લીધા હતા.


લગ્નના પવિત્ર બંધન પહેલા નાગરિક ધર્મ નિભાવ્યો

ઓલપાડની શિવાલીક સોસાયટીમાં રહેતા પાટીલ પરિવારના પુત્ર જય પાટીલ અને તેમની થનારી પત્ની લક્ષ્મી સંભાળે આજે જીવનના નવા સફરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. આજે જ તેમના લગ્ન હોવા છતાં, બંનેએ લગ્નવિધિમાં વ્યસ્ત રહેવાને બદલે સૌ પ્રથમ મતદાન મથકે જઈને મતાધિકારનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું.

ભારે ગરમી પણ ઉત્સાહ ઓછો ન કરી શકી

સુરતમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને લગ્ન પ્રસંગની દોડધામ વચ્ચે પણ આ કપલે મતદાન મથક પર લાઈનમાં ઉભા રહીને વોટ આપ્યો હતો. લગ્નના પોશાકમાં સજ્જ વર-કન્યાને મતદાન મથકે જોઈ અન્ય મતદારોમાં પણ ભારે આશ્ચર્ય અને આનંદ જોવા મળ્યો હતો.

નાગરિકોને કરી અપીલ

મતદાન કર્યા બાદ નવદંપતીએ ગર્વ સાથે પોતાની આંગળી પર લાગેલી શાહી બતાવી હતી. તેમણે અન્ય નાગરિકોને સંદેશ આપતા જણાવ્યું હતું કે, લગ્ન જેવો જીવનનો મહત્વનો પ્રસંગ હોવા છતાં અમે મતદાનને પ્રથમ પ્રાથમિકતા આપી છે. દરેક નાગરિકે મજબૂત લોકશાહી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જોઈએ.


આ પણ વાંચો - Local Body Elections 2026: સુરત છેડતી કાંડના મહેસાણામાં પડઘા પડ્યા, બાજીપુરા ગામનો 'ચૂંટણી બહિષ્કાર'નો મક્કમ નિર્ધાર


  • Follow us on: