ગુજરાતમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની નિમણૂક કરાઈ છે. આ નિમણૂક થયા બાદ સુરત ભાજપમાં મોટો વિવાદ સામે આવ્યો છે. સુરત ભાજપ કાર્યાલય ખાતે ભાજપના બે કાર્યકરો વચ્ચે છુટાહાથની મારામારી થઈ હતી. ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલિયા અને શૈલેષ જરીવાલા વચ્ચે મારામારી થતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.


સુરતમાં ભાજપના કાર્યકરો બાખડ્યા

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત ભાજપ કાર્યાલયમાં ભાજપના કાર્યકર્તા દિનેશ સાવલીયાને ઓફિસના પટાવાળા સાથે ચા નાશ્તાને લઈને માથાકૂટ થઈ હતી. જેની પટાવાળાએ ખજાનચી શૈલેષ જરીવાલાને જાણ કરી હતી. ત્યાર બાદ શૈલેષ જરીવાલા અને દિનેશ સાવલીયા વચ્ચે માથાકૂટ ચાલુ થઈ હતી. આ દરમિયાન દિનેશ સાવલિયાએ શૈલેષ જરીવાલાને લાફો મારી દીધો હતો. આ ઘટના અંગે શહેર પ્રમુખ પરેશ પટેલે કહ્યું હતું કે, બંને જણાને નોટીસ આપવામાં આવી છે. ત્રણ દિવસમાં બંને જણાએ લેખિતમાં જવાબ આપવો પડશે. જે કસૂરવાર જણાશે તેની સામે કડક પગલાં ભરાશે.

હું ખજાનચી છું મારે બધુ જોવાનું છે

ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને કહ્યું હતું કે, હું ખજાનચી છું મારે બધુ જોવાનું છે. અહીં વધારે આંટાફેરા મારવાની જરૂર નથી. આ દરમિયાન શૈલેષ જરીવાલાએ દિનેશ સાવલિયાને ધક્કે ચડાવ્યા હતાં. તેમણે અપશબ્દો બોલતા દિનેશ સાવલિયા ઉગ્ર બન્યા હતાં અને બંને વચ્ચે છૂટાહાથની મારામારી શરૂ થઈ હતી. ભાજપના સુત્રોના જણાવ્યા પ્રમાણે દિનેશ સાવલિયાને લઈને કાર્યાલયને અનેક ફરિયાદો મળી છે.


  • Follow us on: