સુરત ક્રિકેટ એસોસિએશન (SDCA) માં ઉંમરની છેતરપિંડીનો એક મોટો વિવાદ સપાટી પર આવ્યો છે. SDCA સંચાલિત અંડર-19 ટૂર્નામેન્ટમાં બે ખેલાડીઓ, અંકિત યાદવ અને સોહેલ ખાન, ઉંમરના ખોટા પુરાવા રજૂ કરીને રમતા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જણાયું છે કે તેમની સાચી ઉંમર આશરે 25 વર્ષ છે, જ્યારે તેમણે તમામ સરકારી દસ્તાવેજોમાં જન્મ તારીખ 2006 ની દર્શાવીને માત્ર 19 વર્ષના હોવાનું સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ગંભીર બાબત બહાર આવતાં ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને યુવા ખેલાડીઓની કારકિર્દીને નુકસાન પહોંચાડવાના પ્રયાસ બદલ આ મામલો ચર્ચામાં છે.
ખેલાડીઓ જવાબદાર, કાયદાકીય કાર્યવાહીની તૈયારી
સુરત ક્રિકેટ એસોસિએશને આ સમગ્ર વિવાદ માટે સીધો જ આ બે ખેલાડીઓ – અંકિત યાદવ અને સોહેલ ખાન – ને જવાબદાર ઠેરવ્યા છે. એસોસિએશને સ્પષ્ટ કર્યું છે કે, તેમણે ઉંમરના ખોટા પુરાવા અને જન્મ તારીખ સુધારીને રજૂ કરી હતી. આ છેતરપિંડીને ગંભીરતાથી લઇને SDCA ની મિટિંગમાં તેમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બોર્ડના સભ્યો દ્વારા ગ્રીન સિગ્નલ મળ્યા બાદ SDCA આ બંને ખેલાડીઓ વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવશે. આ કાર્યવાહીનો હેતુ અન્ય ખેલાડીઓ આવા ગેરરીતિપૂર્ણ કૃત્ય ન કરે તે માટે એક દાખલો બેસાડવાનો છે.













