સુરતમાં ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક વ્યવસ્થાની બેદરકારીના કારણે એક ગંભીર અને દુઃખદ ઘટના બની છે. શહેરના ઉમરા વેલંજા વિસ્તારમાં બિસ્માર રોડ પરથી પસાર થઈ રહેલી એક યુવતી ટ્રક નીચે આવી જતાં તેનું કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરના માર્ગોની ગુણવત્તા અને ભારે વાહનોના અનિયંત્રિત પ્રવેશ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે, જેના કારણે એક યુવાન જીવ છીનવાઈ ગયો છે.
અકસ્માત બાદ લોકોનો રોષ ભભૂક્યો, ચક્કાજામ
યુવતીના મોતના પગલે ઘટનાસ્થળે હાજર સ્થાનિક લોકોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો હતો. લોકોએ તંત્રની બેદરકારી સામે ઉગ્ર વિરોધ નોંધાવતા ચક્કાજામ કર્યો હતો. લોકોનો આક્ષેપ હતો કે આ વિસ્તારના રસ્તાઓ લાંબા સમયથી ખરાબ હાલતમાં છે અને આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. સ્થાનિકોએ જ્યાં સુધી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી હતી. આ અકસ્માત ખરાબ રસ્તા અને તંત્રની નિષ્ક્રિયતાનું જીવતું જાગતું ઉદાહરણ છે.













