આગામી 14 ઓક્ટોબરે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે. વડોદરા ભાજપ દ્વારા બંને નેતાઓનું સ્વાગત કરવા માટે તૈયારીઓ શરુ કરી દેવાઇ છે . જો કે વડોદરા શહેર ભાજપ ભુલી ગયું છે કે પક્ષના નેતા અને મુખ્યમંત્રી ભાજપના કાર્યક્રમ માટે આવી રહ્યા છે અને તેથી શહેર ભાજપે શહેરભરમાં ભાજપના ઝંડા લગાવવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડ્યા છે.
ભાજપના ઝંડા લગાવવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડ્યા
વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ આરોપ લગાવ્યો હતો કે 14 તારીખે ભાજપ પ્રમુખ અને મુખ્યમંત્રી વડોદરામાં આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગત કરવા માટે શહેર ભાજપના નેતાઓ અને કોર્પોરેશનના પદાધીકારીઓએ વડોદરા શહેરમાં ભાજપના ઝંડા લગાવવા માટે કોર્પોરેશનના કર્મચારીઓને કામે લગાડ્યા છે.
આ ભાજપનો કાર્યક્રમ છે
તેમણે કહ્યું કે એરપોર્ટ સર્કલ પાસે રવિવારે રાત્રે કોર્પોરેશનના સ્ટ્રીટ લાઇટના કર્મચારીઓ કોર્પોરેશનની સ્ટ્રીટલાઇટની સમસ્યાઓ દુર કરવા માટે ઉપયોગમાં લેવાતી ગાડી દ્વારા સ્ટ્રીટ લાઇટો પર ભાજપના ઝંડા લગાવી રહ્યા હતા તે કેટલું યોગ્ય છે. આ ભાજપનો કાર્યક્રમ છે તો ભાજપના કાર્યકરો તેમના વાહનોનો ઉપયોગ કરીને ઝંડા લગાવે તે યોગ્ય છે પણ કોર્પોરેશનના કર્મચારીઓ ભાજપના ઝંડા લગાવે તે કેટલે અંશે ઉચિત છે.
કોર્પોરેશનની ગાડીમાં પણ ભાજપના ઝંડા જોવા મળ્યા
મોડી રાત્રે કર્મચારીઓએ ભાજપના ઝંડા લગાવતા જોવા મળ્યા હતા. વોર્ડ નંબર 13માં સ્ટ્રીટ લાઇટ વિભાગના કર્મીઓએ ભાજપના ઝંડા લગાવ્યા હતા. નવાઇની વાત એ છે કે કોર્પોરેશનની ગાડીમાં પણ ભાજપના ઝંડા જોવા મળ્યા હતા.
કોંગ્રેસ કાર્યકરે આ કામ અટકાવ્યું હતું.
યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ સ્થળ પર જઇને કર્મચારીઓની પૂછપરછ કરતા તે કોર્પોરેશનના કર્મચારી હોવાનું અને ભાજપના ઝંડા લગાવાનું કામ સોંપાયું હોવાનું જણાવાયું હતું. જેથી કોંગ્રેસ કાર્યકરે આ કામ અટકાવ્યું હતું.
ભાજપના શાસકો પ્રદેશ પ્રમુખને આવકારવા કોર્પોરેશનનો ઉપયોગ કરી રહ્યા છે.
પવન ગુપ્તાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી વડોદરામાં આવે ત્યારે એક નાગરીક તરીકે અમે તેમને આવકારીએ છીએ પણ જ્યારે ભાજપના પ્રમુખ વડોદરામાં આવતા હોય તો ભાજપે તેમનું સ્વાગત કરતા ઝંડા લગાવવા જોઇએ પણ સત્તાના નશામાં શહેર ભાજપના શાસકો પ્રદેશ પ્રમુખને આવકારવા કોર્પોરેશનનો ઉપયોગ કરી રહ્યા છે. સ્ટ્રીટલાઇટ વિભાગ જ્યારે લાઇટો બંધ થઇ જાય ત્યારે તે સમસ્યાના હલ માટે હોય છે જેના બદલે કોર્પોરેશનના શાસકો સ્ટ્રીટલાઇટના કર્મચારીઓ પાસે એરપોર્ટ સર્કલ નજીક ઝંડા લગાડાવી રહ્યા છે. આ મામલે કોર્પોરેશનની ગાડી મોકલનારા અધિકારીઓ અને તેમને સૂચના આપના પદાધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ સાથે અમે આંદોલન કરીશું,.