વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અવિરત માર્ગદર્શન હેઠળ ગુજરાતની વણથંભી વિકાસયાત્રાના 24 વર્ષ પૂર્ણ થયા છે. આ 24 વર્ષ દરમિયાન ગુજરાતે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આ વિકાસગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં 7 થી 15 ઓક્ટોબર, 2025 દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવાઈ રહ્યો છે. તે અંતર્ગત વડોદરા જિલ્લામાં વાઘોડિયા તાલુકાના વ્યારા ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી કાર્યક્રમ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
રાજ્ય સરકારે સર્વાંગી વિકાસના કાર્યને પ્રાથમિકતા આપીને ગામડાથી લઈને શહેર સુધી સુખાકારી પહોંચાડી
વિકાસ સપ્તાહના છઠ્ઠા દિવસે વિકાસ રથનું આગમન વાઘોડિયા તાલુકાના વ્યારા ગામે થયું. જ્યાં ઉપસ્થિત નિલેશ પુરાણી કારોબારી સભ્ય, યોગેશ પટેલ તાલુકા પંચાયત પ્રમુખ, હિતેન્દ્રભાઈ ગોહિલ મામલતદાર, દીપેશ પટેલ તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય મહાનુભાવોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરાઈ અને વ્યારા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના રજૂ કરી હતી. જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પુરાણી પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, છેલ્લા 24 વર્ષોમાં રાજ્ય સરકારે સર્વાંગી વિકાસના કાર્યને પ્રાથમિકતા આપીને ગામડાથી લઈને શહેર સુધી સુખાકારી પહોંચાડી છે. સરકારની વિવિધ યોજનાઓ થકી બધાને લાભ મળી રહ્યા છે. સમૃદ્ધ ભારતના નિર્માણ માટે તેમણે સ્વદેશી અભિયાનને લોકઝૂંબેશ બનાવવા માટે આહ્વાન કર્યું હતું. એમણે વધુમાં જણાવ્યું કે આ બધી યોજનાઓથી ગામડાઓનું સર્વાંગી વિકાસ થયું છે અને અમે આ વિકાસને વધુ વેગ આપવા માટે કટીબદ્ધ છીએ.













