પોરબંદરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પરિસરમાંથી જ દારૂના ગુનામાં ઝડપાયેલી કારની ચોરી થઈ છે. આ ઘટનાએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કર્યા છે. બનાવની વિગતો મુજબ, કમલાબાગ પોલીસે દારૂના જથ્થા સાથે એક ગ્રે કલરની હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 NIOS કાર ઝડપી પાડી હતી. આ કારને પોલીસ કાર્યવાહી હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના પરિસરમાં જ રાખવામાં આવી હતી. આ દરમિયાન, દારૂના કેસમાં આરોપી એવા દીપક ભગવાનજી પંડ્યા નામના શખ્સે પોલીસની નજર ચૂકવીને રાત્રિના સમયે આ કારની ચોરી કરી અને નાસી ગયો હતો.
કમલાબાગ પોલીસ સ્ટેશનમાંથી કારની ચોરી
આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે પોલીસ સ્ટાફે કારને તેની જગ્યાએ ન જોઈ. તરત જ તપાસ હાથ ધરતા માલૂમ પડ્યું કે જે આરોપી વિરુદ્ધ દારૂનો ગુનો દાખલ થયો હતો, તે જ શખ્સે કારની ચોરી કરી છે. આ ઘટનાથી પોલીસ વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે, કારણ કે પોલીસ સ્ટેશન જેવા સંવેદનશીલ અને સુરક્ષિત ગણાતા સ્થળેથી ગુનામાં સંડોવાયેલી કારની ચોરી થવી એ ગંભીર બેદરકારી સૂચવે છે.













