પોરબંદરમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતા જનજીવન પ્રભાવિત થયું છે. અચાનક આવેલી મેઘ મહેરને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ધોધમાર વરસાદની સૌથી વધુ અસર પોરબંદરમાં ચાલી રહેલા લોકમેળા પર પડી હતી. મેળાના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા તંત્ર દ્વારા મેળાને તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયને કારણે લોકમેળો માણવા આવેલા લોકોમાં નિરાશા જોવા મળી હતી.


પોરબંદરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

તંત્ર દ્વારા મેળાની તમામ રાઈડ્સ બંધ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા લોકોના આગ્રહને કારણે લોકમેળાની મુદત એક દિવસ વધારવામાં આવી હતી. જોકે આ વધારાના દિવસે જ ધોધમાર વરસાદ પડતા લોકમેળા અને આનંદ મેળાને બંધ કરવાની ફરજ પડી હતી. આ અણધાર્યા વરસાદથી મેળાના આયોજકો અને વેપારીઓને પણ મોટું નુકસાન થયું હતું.

વરસાદી પાણી ભરાતા લોકમેળો બંધ કરાયો

વરસાદ માત્ર પોરબંદર શહેર પૂરતો સીમિત ન રહેતા જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદના અહેવાલ છે. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે પાકને આ વરસાદથી નવજીવન મળશે. જોકે શહેરી વિસ્તારોમાં પાણીના ભરાવાને કારણે થોડી અસુવિધા ઊભી થઈ હતી. છતાં આ વરસાદને આવકારવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી જનજીવન ઝડપથી સામાન્ય બની શકે.


  • Follow us on: