ગંભીરા બ્રિજ દુર્ઘટનાના કડવા અનુભવ બાદ આખરે પોરબંદરના તંત્રને 'જ્ઞાન' લાધ્યું છે. માધવપુર-સામરડા વચ્ચેનો જર્જરિત બ્રિજ બંધ કરી દેવાયો છે, જોકે આ નિર્ણયથી ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વર્ષોથી સ્થાનિકો દ્વારા આ બ્રિજની જર્જરિત હાલત અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવ્યા ન હતા. પરંતુ વડોદરામાં બનેલી દુર્ઘટના બાદ અચાનક જ તંત્ર જાગૃત થયું અને વૈકલ્પિક માર્ગની કોઈ વ્યવસ્થા કર્યા વિના જ બ્રિજની બંને બાજુએ દીવાલો ચણીને તેને બંધ કરી દેવામાં આવ્યો.
ખેડૂતો અને સ્થાનિકોની હાલાકી
આ બ્રિજ બંધ થવાથી ખેડૂતો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના ખેતરોમાં જવા માટે તેમને 15 થી 20 કિલોમીટરનો લાંબો ફેરાવો કરવા મજબૂર બનવું પડ્યું છે. ખાસ કરીને વરસાદી સિઝનમાં, જ્યારે ખેડૂતોને વાવેતર અને અન્ય ખેત કાર્યો માટે નિયમિતપણે ખેતરે જવું પડે છે, ત્યારે આ લાંબો રસ્તો તેમના માટે સમય અને પૈસા બંનેનો વ્યય કરનારો સાબિત થઈ રહ્યો છે.
બ્રિજનું સમારકામ ઝડપથી કરવાની માંગ
સ્થાનિક લોકો તંત્રના આ અણઘડ નિર્ણય સામે ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. તેમની માંગ છે કે, બ્રિજનું સમારકામ ઝડપથી કરવામાં આવે અથવા તો ઓછામાં ઓછો એક વૈકલ્પિક માર્ગ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી તેમની રોજિંદી પ્રવૃત્તિઓ ખોરવાય નહીં. જો તંત્ર દ્વારા આ મામલે સત્વરે કોઈ યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો, લોકોનો રોષ વધુ ઉગ્ર બની શકે છે.