ખેડૂતોના પ્રશ્નો મુદ્દે ગાંધીનગરમાં યોજાનારી મહારેલી અને વિધાનસભા ઘેરાવના વિરોધ પ્રદર્શનને પગલે સમગ્ર રાજ્યમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો અને રાજકીય કાર્યકરો ગાંધીનગર ન પહોંચે તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક નાકાબંધી કરવામાં આવી છે. આ કડીમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી ખાતેથી 'કિસાન અધિકાર યાત્રા' માં જોડાવા માટે ગાંધીનગર તરફ નીકળેલા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોની વડાલી પોલીસે અટકાયત કરી હતી.
ગાંધીનગર પહોંચે તે પહેલાં જ પોલીસ એક્શનમાં
રાજ્યભરના ખેડૂતો અને કોંગ્રેસના અગ્રણીઓ ટ્રેક્ટર રેલી અને વિવિધ વાહનોના કાફલા સાથે વિધાનસભા ખાતે વિરોધ પ્રદર્શન કરવાના મૂડમાં છે. જોકે, આ કાર્યકરો ગાંધીનગર સુધી ન પહોંચી શકે તે માટે સાબરકાંઠા જિલ્લાના એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ્સ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. વડાલીમાંથી જ્યારે કોંગ્રેસી કાર્યકરોનો કાફલો ગાંધીનગર જવા રવાના થયો, ત્યારે જ વડાલી પોલીસે તેમને અધવચ્ચેથી તેમની અટકાયત કરી લીધી હતી.













