રાજકોટ શહેરમાં બેફામ દોડતી સિટી બસોના કારણે સર્જાતા અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિર નજીક વધુ એક સિટી બસે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી સિટી બસે એક બાઇકને અડફેટે લેતા રોડ પર થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી.


સદનસીબે જાનહાનિ ટળી, વાહનચાલકનો આબાદ બચાવ

કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર પાસે બસ અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો જોખમી હતો કે બાઇક સવાર રસ્તા પર ફગાઈ ગયો હતો. જો કે, આ ભયાનક ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને બાઇક ચાલકનો આબાદ બચાવ થયો છે. અકસ્માતને પગલે આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અવારનવાર થતા અકસ્માતોથી ભારે આક્રોશ

રાજકોટ શહેરમાં સિટી બસના ચાલકો દ્વારા નિયમોના લીરેલીરા ઉડાવીને જે રીતે બેફામ વાહનો હંકારવામાં આવે છે, તેનાથી સ્થાનિક પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં અવારનવાર સિટી બસના અકસ્માતો અખબારોની હેડલાઇન્સ બનતા રહે છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે મહાનગરપાલિકાના તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા ડ્રાઇવરો પર કોઈ કડક નિયંત્રણ રાખવામાં આવતું નથી, જેને કારણે નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા નફ્ફટ ડ્રાઇવરો સામે આરટીઓ અને પોલીસ દ્વારા કડક કાનૂની પગલાં લેવામાં આવે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: