રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી ડિમોલિશન કામગીરી દરમિયાન 'કાજુકતરી ઝિયાફત'નો મામલો ભારે વિવાદ જગાવી રહ્યો છે. આ ચકચારી મુદ્દે આખરે રાજકોટ મનપાના મુખ્ય આરોગ્ય અધિકારીએ સત્તાવાર નિવેદન જાહેર કરીને તંત્રનો બચાવ કરતાંં જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં સતત ત્રણ દિવસ સુધી ડિમોલિશનની કડક કામગીરી ચાલી રહી હતી. આ કામગીરીમાં મનપાના અલગ-અલગ વિભાગોનો સ્ટાફ હાજર રહ્યો હતો. 3દિવસ દરમિયાન કુલ 4,800થી વધુ સ્ટાફ માટે ચા-પાણી, રિફ્રેશમેન્ટ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
માન્ય સંસ્થાઓને અપાયો હતો કોન્ટ્રાક્ટ
આરોગ્ય અધિકારીએ વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આ સમગ્ર વ્યવસ્થા માટે સરકાર માન્ય સંસ્થાઓને જ સત્તાવાર કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. ખર્ચના બિલ અંગે ખુલાસો કરતા તેમણે ઉમેર્યું કે, ડિમોલિશનની કામગીરીની સત્તાવાર વિગતો આપવા માટે એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહેલા મીડિયાકર્મીઓ માટે કાજુકતરી અને સમોસાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. તંત્રના જણાવ્યા મુજબ, આ બધો ખર્ચ નિયમબદ્ધ રીતે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે જ કરવામાં આવ્યો છે.













