રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ભાદર નદીના પટમાંથી બેફામ રીતે વહેતા સરકારી ખનીજ ચોરીના દૂષણ પર ઓચિંતો સપાટો બોલાવવામાં આવ્યો છે. રાજકોટના ધોરાજી તાલુકાના ભોલગામડા ગામની સીમમાં ચાલી રહેલા ગેરકાયદે રેતી ખનન પર રાજકોટ SOG અને ખાણ-ખનીજ વિભાગની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ભીંસ વધારતી રેડને પગલે સ્થાનિક ખનીજ ચોરો અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


ભાદર નદી કાંઠે ચાલતું હતું કાળુંબજાર

ઘટનાની મળતી માહિતી અનુસાર, ભોલગામડા ગામની સીમમાંથી પસાર થતી ભાદર નદીના કાંઠે સરકારી મંજૂરી વિના મોટા પાયે રેતી ચોરી થતી હોવાની સચોટ બાતમી રાજકોટ એસઓજીને મળી હતી. જેના આધારે ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓને સાથે રાખીને વહેલી સવારે ત્રાટકતા આખી કાળી કમાણીનો ભાંડો ફૂટી ગયો હતો. આ રેડ દરમિયાન ઘટના સ્થળેથી 5 ખાલી ડમ્પરો અને 2 રેતીથી ચિચોકાર ભરેલા ડમ્પરો સહિત કુલ 7 ડમ્પરો મળી આવ્યા હતા. આ સાથે જ તંત્રએ આશરે 500 મેટ્રિક ટન જેટલી ચોરીની રેતી પણ જપ્ત કરી છે.

સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું!

ધોરાજી પંથકમાં લાંબા સમયથી ભાદરના પટને ખોતરી રહેલા રેતી માફિયાઓ પર રાજકોટની એજન્સીઓએ આવીને રેડ કરવી પડી, તેનાથી સ્થાનિક તંત્રના ગાફેલ હોવાની પોલ ખુલ્લી પડી ગઈ છે. ધોરાજી તાલુકા પોલીસ અને સ્થાનિક જવાબદાર વહીવટી તંત્રની નાક નીચે આટલું મોટું કૌભાંડ ધમધમતું હોવા છતાં તેઓ અજાણ રહ્યા, જેથી સ્થાનિક અધિકારીઓની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

રૂ. 51.90 લાખનો મુદ્દામાલ પોલીસને સોંપાયો

રાજકોટ SOG અને ખાણ-ખનીજ વિભાગની ટીમે સંયુક્ત કાર્યવાહી કરીને સ્થળ પરથી પકડાયેલા તમામ 7 ડમ્પરો અને 500 મેટ્રિક ટન રેતી સહિત અંદાજે રૂપિયા 51,90,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ જપ્ત કરવામાં આવેલો તમામ મુદ્દામાલ આગળની કાયદેસરની તપાસ અને ગુનો નોંધવા માટે ધોરાજી તાલુકા પોલીસ તંત્રને સોંપી દેવામાં આવ્યો છે. 


આ પણ વાંચો - Rajkot News: પરસોતમ રૂપાલા અને મંત્રી જીતુ વાઘાણીએ PM મોદીના નેતૃત્વની સિદ્ધિઓ ગણાવી, ખેડૂતોના વિરોધ મુદ્દે મૌન સેવ્યું!


  • Follow us on: