રાજકોટ જિલ્લાના ગ્રામ્ય પંથકમાંથી વીજ ચોરો પર PGVCL તંત્ર દ્વારા કડક કર્યવાહી હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ધોરાજી, ઉપલેટા, ભાયાવદર અને પાટણવાવ પંથકમાં વહેલી સવારથી જ એકસાથે મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. સ્થાનિક પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્તને સાથે રાખીને વીજ કંપનીના અધિકારીઓએ જુદા જુદા વિસ્તારોને બાનમાં લઈ ચેકિંગનો ધમધમાટ શરૂ કર્યો છે.


ધોરાજી, ઉપલેટા અને ભાયાવદરમાં 24 ટીમોના ધાડેધાડા ઉતર્યા

આ મેગા ડ્રાઈવ અંતર્ગત સમગ્ર પંથકમાં પીજીવીસીએલની અલગ-અલગ 24 જેટલી તપાસ ટીમોના ધાડાં ઉતારી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ધોરાજીના બહારપુરા વિસ્તાર, જમનાવડ રોડ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં 6 જેટલી વિશેષ ટુકડીઓ ત્રાટકી છે. આ જ રીતે ઉપલેટા, ભાયાવદર અને પાટણવાવમાં પણ સવારના અંધારામાં જ અધિકારીઓએ કનેક્શનોની ચકાસણી શરૂ કરી દીધી હતી.

તંત્રની અચાનક એન્ટ્રીથી વીજચોરી કરનારા તત્વોમાં ભારે ફફડાટ

વીજ કંપની દ્વારા અગાઉથી કોઈ પણ જાતની જાણ કર્યા વિના કરવામાં આવેલા આ આકસ્મિક ચેકિંગના કારણે ગેરકાયદે કનેક્શન અને આંકડા ભરાવીને વીજળી વાપરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. PGVCLની ગાડીઓ જોઈને કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે વાયરો ખેંચી લેવા માટે દોડધામ મચી ગઈ હતી. તંત્રની આ કડક કાર્યવાહીથી પ્રામાણિક વીજ ગ્રાહકોએ સંતોષ વ્યક્ત કર્યો છે.

લાખો રૂપિયાની વીજચોરી પકડાવાની પ્રબળ આશંકા

મોટા પાયે ચાલી રહેલા આ ઓપરેશન દરમિયાન અનેક રહેણાંક અને કોમર્શિયલ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સાંજ સુધીમાં આ મેગા ચેકિંગના અંતે જે આંકડો સામે આવશે, તે લાખો રૂપિયાનો હોઈ શકે છે. હાલમાં તમામ ટીમો દ્વારા સ્થળ પર જ દંડ ફટકારવાની અને લાઈન કાપવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.


આ પણ વાંચો - Rajkot: બોરડી રણુંજા મંદિરના મહંત કરશનદાસ બાપુનો આપઘાત, મંદિર સામેની વાડીના કૂવામાંથી મળ્યો મૃતદેહ


  • Follow us on: