શ્રાવણ શરૂ થઈ ગયો છે ત્યારે ફરાળી વસ્તુઓની માંગ વધી ગઈ છે. તેને લઈ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ શહેરના ફરાળી વસ્તુઓ વેચતા વેપારીઓ પર દરોડા પાડીને ચેકિંગ હાથ ધર્યું હતું. શ્રાવણ માસમાં ફરાળીના નામે લોકોની આસ્થા સાથે કોઈ ચેડા ન થાય અને તેમને શુદ્ધ ખાદ્યપદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા આ કાર્યવાહી કરવામાં આવી હતી.


ખાદ્યપદાર્થોના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા

રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનો અને ડેરી ફાર્મ્સ પર દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન શંકાસ્પદ જણાતા ફરાળી ચેવડો, પેટીસ, ફરાળી લોટ, સાગો સ્ટીક સહિતની વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. લીધેલા નમૂનાને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. ખાસ કરીને શહેરના જાણીતા એવા ખોડીયાર ડેરી ફાર્મ અને રાધેશ્યામ ડેરી ફાર્મ સહિતના સ્થળોએથી ખાદ્યપદાર્થોના નમૂના લઈને તેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.

ભેળસેળ કે અખાદ્ય પદાર્થો જણાશે તો કાયદેસરની કાર્યવાહી થશે

આ નમૂનાઓના રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ ભેળસેળ કે અખાદ્ય પદાર્થો જણાઈ આવશે તો જવાબદાર વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આરોગ્ય શાખાની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય તહેવારો દરમિયાન લોકોના સ્વાસ્થ્ય સાથે થતી ચેડાબાજી અટકાવવાનો છે. લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ફરાળી વસ્તુઓની ખરીદી કરતા સમયે તેની ગુણવત્તા ચકાસીને ખરીદી કરે અને શંકાસ્પદ જણાય તો આરોગ્ય વિભાગને ચોક્કસ જાણ કરે.


  • Follow us on: